મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકા પંચાયત કચેરીમાં વિવિધ શાખાઓમાં મહત્વના પદો પર કર્મચારીઓની જગ્યા ખાલી હોવાથી સરપંચો, તલાટીઓને કામ નહિ થતાં મુશ્કેલી પડવાની સાથે વિકાસના કામો અટકી પડ્યા છે.
લુણાવાડા તાલુકા પંચાયતના બાંધકામ શાખામાં ટેકનીકલ કર્મચારીઓના અભાવના કારણે ટેકનીકલ કામગીરી ઠપ્પ થઈ જતા કોન્ટ્રાકટરના અને ખાનગી એજન્સીઓના બિલો લાંબા સમય માટે પેન્ડિંગ રહી જતા હોય છે જેને કારણે કોન્ટ્રાકટરો અને એજન્સી સંચાલકોને નાણાંકિય આર્થિક કટોકટી ભોગવવી પડતી હોય છે. લુણાવાડા તાલુકા પંચાયતમાં છેલ્લા ધણા લાંબા સમયથી મહત્વના અધિકારીઓ, કર્મચારીઓની જગ્યા ખાલી હોવાથી અન્ય અધિકારીઓ અને કર્મચારીઓને ચાર્જ આપી વહીવટી કામગીરી કરે છે. લુણાવાડા તાલુકા પંચાયત કચેરીમાં આખા તાલુકાના વિકાસના કામો જે વિભાગ દ્વારા કરે છે તે બાંધકામ શાખામાં એક જ મદદનીશ ઈજનેરના સહારે છે.
આ બાંધકામ શાખામાં લુણાવાડા તાલુકામાં આવતી 112 ગ્રામ પંચાયતોના વિકાસના કામો કરતા સર5ંચો તેમજ બીજી એજન્સીઓના બિલો બનાવવાની જવાબદારી હોય છે. જે જવાબદારી આખા તાલુકામાં માત્ર એક જ મદદનીશ ઈજનેરના સહારે ચાલે છે. આ બાંધકામ શાખામાં હાલમાં એકપણ ટેકનીકલ આસિસ્ટન્ટ નથી. જેની બે જગ્યાઓ હાલ ખાલી હોવાથી ગ્રામ પંચાયતોમાં વિવિધ વિકાસના કામો જે તે યોજનામાં ફાળવેલ હોય છે. તેના એસ્ટિમેન્ટ બનાવવાના તેમજ અન્ય કામગીરીઓ કરવામાં ધણી અગવડોનો સામનો સરપંચો તેમજ વિવિધ એજન્સીઓ કરી રહી છે. તંત્ર દ્વારા મહત્વના પદો પર તાત્કાલિક અસરથી નિયુક્તિ આપે તેવી સરપંચો માંગ ઉઠવા પામી છે.