- દાહોદનાં ઝુબિન કોન્ટ્રાક્ટરે આકાશમાં 300 મીટરથી વધુ ઊંચેથી પેરામોટરીંગ કરી 5000 પેમ્ફલેટ્સની કરી વર્ષા.
દાહોદ,
દાહોદ સાહસિકોની ભૂમિ છે અને જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં વધુમાં વધુ મતદારો જોડાય એ માટે દાહોદ નગરમાં જિલ્લા ચૂંટણી અધિકારી ડો. હર્ષિત ગોસાવીના માર્ગદર્શનમાં એક સાહસિક પહેલ કરવામાં આવી છે. દાહોદના ઝુબિન કોન્ટ્રાક્ટરે પેરામોટરીંગ કરીને નગરમાં લોકશાહીના મહાપર્વમાં જોડાવા માટેનો સંદેશો લોકો સુધી પહોંચતો કર્યો હતો. તેમણે પેરામોટરીંગ દ્વારા આકાશમાં 300 મીટરથી ઉંચે સુધીની ઉડાન ભરી હતી અને મતદાર જાગૃતિ માટેના ચૂંટણી તંત્રના 5000 જેટલા પેમ્ફલે્ટસની દાહોદ નગરમમાં વર્ષા કરી હતી. સામાન્ય નાગરિકો આ પહેલથી મંત્રમુગ્ધ બન્યા હતા અને હર્ષનાદથી તંત્રના પ્રયાસને વધાવી લીધું હતું.
દાહોદ નગરના ઝુબિન કોન્ટ્રાક્ટર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાર જાગૃતિની પહેલમાં પોતાના સાહસિક પ્રવૃતિ દ્વારા સહભાગી થયા હતા. તેમણે દાહોદનાં રામપુરાના ન્યુ સ્ટોન કવોરી ખાતેથી સુરેશ પરમાર સાથે ઉડાન ભરી હતી અને દાહોદ નગરમાં ઠેર ઠેર મતદાર જાગૃતિના પેમ્ફલેટની આકાશમાંથી વર્ષા કરી હતી. તેમની આ સાહસિક પહેલને નગરજનોએ હર્ષનાદથી વધાવી લીધી હતી. ત્યાર બાદ તેઓ રામપુરા ખાતે ઉતરાણ કર્યું હતું.
ઝુબિને જણાવ્યું કે, રાજ્યમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાઇ રહી છે અને લોકશાહીના મહાપર્વમાં દરેક મતદાતા જોડાઇ એ ઇચ્છનીય છે. જિલ્લામાં તંત્ર દ્વારા મતદાતાઓને જાગૃત કરવા માટે સઘન પ્રયાસ થઇ રહ્યો છે. ત્યારે તેમાં સહભાગી થવાની મને સરસ તક મળી છે. વધુમાં વધુ લોકો મતદાનમાં જોડાય એ જ સંદેશો જનજન સુધી પહોંચે એ માટે પેરામોટરીંગ દ્વારા પ્રયાસ કર્યો છે.
બોકસ: ઝુબિને આ અગાઉ વર્ષ 2017 ની ચૂંટણીઓમાં પણ આવી પહેલ કરી હતી. જેને સુંદર સરસ આવકાર મળ્યો હતો…..
જિલ્લા ચૂંટણી તંત્રની કોઇ પણ મતદાતા મતદાન વિના રહી ન જાય એ માટેની ચીવટ પણ જોવા મળી રહી છે. જિલ્લા ચૂંટણી અધિકારી ડો. હર્ષિત ગોસાવીના માર્ગદર્શનમાં મતદાતા જાગૃકતા માટે સઘન અભિયાન ચાલી રહ્યું છે. દરેક મતદાતા લોકશાહીના પર્વમાં સહભાગી બને એ માટે ગેસના બાટલા, તેની રિસીપ્ટ, સરકારી તેમજ ખાનગી દવાખાનાના કેસ પેપર, મેડીકલ સ્ટોર તેમજ દુકાનોના બીલ, શાળાઓ, વિદ્યાલયોમાં જાગૃકતા અભિયાન તેમજ ઠેર ઠેર દિવાલો ઉપર પણ મતદાન કરવા માટેના સંદેશા જોવા મળી રહ્યાં છે. ત્યારે તંત્રે પેરામોટરિંગની સાહસિક પહેલ પણ મતદાતાઓને જાગૃત કરવા માટે કરી છે. તેને લોકોનો વ્યાપક આવકાર મળ્યો છે.