દાહોદ જીલ્લાના ઝાલોદ તાલુકાના જુના ચાકલીયા ઘુઘસ ગામે એક મકાનમાં તસ્કરોએ હાથફેરો કરી સોના-ચાંદીના દાગીના તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂા.17,000ની મત્તાની ચોરી કરતાં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી એક તસ્કરને ઝડપી પાડવામાં સફળતા મેળવેલ હોવાનું જાણવા મળે છે.
ગત તા.06 ઓગષ્ટના રોજ ઝાલોદના જુના ચાકલીયા ગામે દેવ ફળિયામાં રહેતાં રમસુભાઈ હકરૂભાઈ ડામોરના રહેણાંક મકાનમાં કાન્હા રાજુનાથ ભાટી (રહે. મધ્યપ્રદેશ) તથા તેની સાથેના ઈસમોએ રમસુભાઈના મકાનના મુખ્ય દરવાજાનું તાળુ તોડી મકાનમાં મુકી રાખેલ તિજોરી માંથી સોના-ચાંદીના દાગીના તેમજ મોબાઈલ ફોન મળી કુલ રૂા.17,000ની મત્તાની ચોરી કરી નાસી ગયાં હતા. ત્યારે આ સંબંધે રમસુભાઈ હકરૂભાઈ ડામોરે ચાકલીયા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી ગણતરીના દિવસોમાં આ ચોરીને અંજામ આપનાર કાન્હા રાજુનાથ ભાટીને ઝડપી પાડ્યો હતો. ત્યારે તેની પુછપરછ કરતાં તેની સાથે અન્ય ઈસમો પણ સામેલ હોવાનું જણાવતાં પોલીસે તેના સાગરીતોના પણ ધરપકડના ચક્રોગતિમાન કરી ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.