દાહોદ સ્ટેશન રોડ ઉપર બાઈક સવારને આખલાએ અડફેટમાં લેતાં ગંભીર ઈજાઓ

દાહોદ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ ચરમસીમાએ પહોંચ્યો છે. ત્યારે વધુ એક બનાવમાં જાહેર રસ્તા પર બાખડતા પશુઓએ એક મોટરસાઈકલના ચાલકને અડફેટમાં લેતાં મોટરસાઈકલના ચાલકનો પગ ફેક્ચર થઈ ગયો હોવાનું જાણવા મળે છે.

દાહોદ શહેરમાં રખડતા પશુઓ અને તેમાંય ખાસ કરીને જાહેર માર્ગો પર અડીંગો જમાવી બેસતાં પશુઓ ઘણીવાર જાહેરમાં બાખડતા નજરે પડી રહ્યાં છે. જેમાં ભુતકાળમાં આવા બાખડતા પશુઆએને કારણે ઘણા લોકો ઈજાગ્રસ્ત થયાં છે. ત્યારે છેલ્લા 15 દિવસમાં દાહોદ શહેરમાં રખડતા પશુઓના જાહેરમાં યુધ્ધના કારણે 04 લોકો ઈજાગ્રસ્ત થયાં છે. ત્યારે આવો એક વધુ બનાવ દાહોદ શહેરના સ્ટેશન રોડ ખાતે બનવા પામ્યો છે.

જેમાં આજરોજ દાહોદ શહેરના સ્ટેશન રોડ ખાતેથી પસાર થઈ રહેલા એક મોટરસાઈકલના ચાલકને જાહેરમાં બાખડતા પશુઓએ અડફેટમાં લેતાં મોટરસાઈકલ પર સવાર ચાલક જમીન પટકાતાં તેઓને પગના ભાગે ગંભીર ઈજા પહોંચતાં મોટરસાઈકલનો પગ ફેક્ચર થઈ ગયો હતો. ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં. ઈજાગ્રસ્ત મોટરસાઈકલને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતા.

ત્યારે દાહોદ શહેરમાં રખડતા પશુઓના ત્રાસથી શહેરવાસીઓમાં આક્રોશ સાથે ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે. આ મામલે દાહોદ નગરપાલિકાની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠવા પામ્યાં છે. મહિનાઓ પહેલા દાહોદ નગરપાલિકા દ્વારા રખડતા પશુઓને પકડવા માટે ચોક્કસ એજન્સીને પણ નક્કી કરવામાં આવી હતી, પરંતુ આ એજન્સીની કામગીરી પણ આંખે વળગીને ઉડે તેવી નથી. ત્યારે દાહોદ શહેરમાં રખડતા પશુઓના નિરાકરણ માટે દાહોદ નગરપાલિકા દ્વારા ચોક્કસ કામગીરી હાથ ધરવામાં આવે તેવી લાગણી અને માંગણી દાહોદ શહેરવાસીઓમાં ઉઠવા પામી છે.