જાહેર રસ્તા ઉપર રખડતા ઢોરને પકડવા માટે ગોધરા નગરપાલિકા વિસ્તારમાં ડ્રાઇવ યોજાઈ

  • 70થી વધુ કર્મચારીઓ/અધિકારીઓની ઉપસ્થિતિમાં કુલ 45 નાના મોટા ઢોરને પકડીને પરવડી ખાતે આવેલ ગૌશાળા ખાતે મોકલી આપ્યા.

ગોધરા નગરપાલિકા વિસ્તારમાં તા.14 ઓગષ્ટના રોજ ગાંધીચોક,એસ.ટી.સ્ટેન્ડ, ભુરાવાવ, વાવડી બુઝર્ગ, બામરોલી રોડ તથા ગદુકપુર ચોકડી ખાતે જાહેર રસ્તા ઉપર રખડતા ઢોરને પકડવા માટે ઢોર ડબ્બા સાથે ડ્રાઇવ યોજવામાં આવી હતી. સદર ડ્રાઈવમાં 70થી વધુ ગોધરા નગરપાલિકા, ટ્રાફિક વિભાગ,પોલીસ વિભાગના કર્મચારીઓ/અધિકારીઓ જોડાયા હતા.

સદર ડ્રાઇવ હેઠળ જાહેર રસ્તા પર રખડતા કુલ 45 નાના મોટા ઢોરને પકડીને પરવડી ખાતે આવેલ ગૌશાળા ખાતે મોકલી આપ્યા હતા. આ સાથે તંત્ર દ્વારા સદર ઢોરના માલિકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. ડ્રાઇવ દરમિયાન 02 ઈસમો કે જેઓ આ ડ્રાઇવ દરમીયાન પશુઓને ભગાડી જઇ અને કામગીરીમાં અવરોધ બનતા તેઓને ઝડપી પાડીને તેમની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. હવે પછી, વહીવટી તંત્ર દ્વારા સમયાંતરે આ પ્રકારની ઢોર પકડવાની ડ્રાઇવ યોજીને રખડતા ઢોરને પકડવાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. તેમ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ અને પ્રાંત અધિકારી ગોધરા પ્રવિણસિંહ જૈતાવત દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.