અમેરિકામાં ગુજરાતીઓનું નામ જાણે છેતરપિંડીનું પર્યાય બની રહ્યું છે. છેતરપિંડીના આવા જ એક કેસમાં મોન્ટેગોમેરી કાઉન્ટી પોલીસ ડિપાર્ટમેન્ટે નીલ પટેલ નામના ૨૩ વર્ષના એક ગુજરાતીની ધરપકડ કરી છે, જે ઈલિનોયના કારોલ સ્ટ્રીમનો રહેવાસી છે.
ફક્ત૨૩ વર્ષની ઉંમરે મોટો કાંડ કરનારા નીલ પટેલ પર નકલી સરકારી અધિકારી બનીને સિનિયર સિટીઝન્સને ડરાવી-ધમકાવી તેમની પાસેથી સોનું પડાવવાના કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ છે. માર્ચ ૨૦૨૪ના રોજ પીડિત સીનિયર સિટિઝને પોલીસનો કોન્ટેક્ટ કરીને પોતાની સાથે ૭.૮૯ લાખ ડોલરનું ફ્રોડ થયું હોવાનો રિપોર્ટ કર્યો હતો. પીડિતના જણાવ્યા અનુસાર તેમને કોઈ અજાણી વ્યક્તિનો ફોન આવ્યો હતો જેણે પોતાની ઓળખ ફેડરલ ટ્રેડ કમિશનના ઈન્સપેક્ટર જનરલ તરીકે આપી હતી.
ફોન કરનારાએ પીડિતને એવું કહ્યું હતું કે તેમની આઈડેન્ટિટીની ચોરી કરીને ક્રિમિનલ એક્ટિવિટી કરવામાં આવી છે, જેના કારણે તેમની સામે ફેડરલ ગવર્મેન્ટે ડ્રગ્સ અને મની લોન્ડરિંગની તપાસ શરૂ કરી છે. પીડિતને ડરાવ્યા બાદ કોલરે તેમને એવી સલાહ આપી હતી કે તેમનું બેંક અકાઉન્ટ પણ હવે સેફ ના હોવાથી તેમણે તમામ રકમ ઉપાડી તેને સોનામાં ફેરવી લેવી જોઈએ, અને આ સોનુ તેમના ઘરેથી એજન્ટ કલેક્ટ કરી લેશે તેમજ તેને ફેડરલ ગવર્મેન્ટની સેફ કસ્ટડીમાં રખાશે અને કેસ પૂરો થતાં જ આ ગોલ્ડ તેમને પાછું આપી દેવાશે.
કોલરની વાતમાં આવી ગયેલા વૃદ્ધાએ તેના કહ્યા અનુસાર પોતાના બેંક અકાઉન્ટમાંથી પૈસા ઉપાડીને તેનું ઓનલાઈન સોનું ખરીદ્યું હતું, જેનું કુરિયર તેમના ઘરે પહોંચ્યા બાદ અલગ-અલગ દિવસે તેને બનાવટી એજન્ટ દ્વારા કલેક્ટ કરવામાં આવ્યું હતું. આ વૃદ્ધાએ પહેલીવાર ૩.૩૧ લાખ ડોલરનું સોનું પોતાના ઘરે આવેલા નકલી એજન્ટને આપ્યું હતું, જે બીજો કોઈ નહીં પણ નીલ પટેલ હતો, જ્યારે બીજીવાર વેનહુઈ સન નામનો એક ચાઈનીઝ છોકરો પીડિતને ત્યાંથી સોનું કલેક્ટ કરવા ગયો હતો, જેની પોલીસ પહેલા જ ધરપકડ કરી ચૂકી છે.
પોલીસના જણાવ્યા અનુસાર નીલ પટેલ ૨૩ જુલાઈ ૨૦૨૪ના રોજ શિકાગોના ઓ’હારે ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી આયર્લેન્ડના ડબ્લિન જતી ફ્લાઈટ પકડવા જતો હતો ત્યારે જ તેને પકડી લેવામાં આવ્યો હતો અને છ ઓગસ્ટના રોજ તેને મેરીલેન્ડ મોકલી દેવાયો હતો. નીલ પટેલ હાલ મોન્ટેગોમેરી કાઉન્ટીની જેલમાં બંધ છે અને તેના પર હજુ સુધી કોઈ બોન્ડ પણ મૂકવામાં નથી આવ્યો.