હરિયાણામાં ‘ગુડ મોર્નિંગ’ ને બદલે હવે સ્કૂલના બાળકો બોલશે ’જય હિંદ’,

ભારત ૧૫મી ઓગસ્ટ ૨૦૨૪ના રોજ તેનો ૭૮મો સ્વતંત્રતા દિવસ ઉજવવા જઈ રહ્યું છે. દેશભરમાં આ દિવસની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. દરમિયાન, સ્વતંત્રતા દિવસને ધ્યાનમાં રાખીને હરિયાણા સરકારે મોટો નિર્ણય લીધો છે. હરિયાણાની નાયબ સિંહ સૈની સરકારે કહ્યું છે કે હવે રાજ્યની શાળાઓમાં વિદ્યાર્થીઓએ સવારે ગુડ મોર્નિંગ ને બદલે જય હિન્દ બોલવું પડશે. સરકારના આ નિર્ણયનો અમલ ૧૫ ઓગસ્ટ ૨૦૨૪થી શરૂ થશે. આવો જાણીએ હરિયાણા સરકારે આ નિર્ણય પાછળ શું કારણ આપ્યું છે.

હરિયાણા સરકાર દ્વારા જારી કરાયેલા પરિપત્રમાં કહેવામાં આવ્યું છે કે આ સ્વતંત્રતા દિવસથી તમામ શાળાઓમાં ગુડ મોનગની જગ્યાએ જય હિંદનો ઉપયોગ કરવામાં આવશે. શાળા શિક્ષણ નિયામકના આદેશમાં કહેવામાં આવ્યું છે કે આ પગલાનો હેતુ વિદ્યાર્થીઓમાં દેશભક્તિ અને રાષ્ટ્રીય ગૌરવની ઊંડી ભાવના જગાડવાનો છે. આ આદેશ તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ, જિલ્લા બ્લોક શિક્ષણ અધિકારીઓ, બ્લોક પ્રાથમિક શિક્ષણાધિકારીઓ, આચાર્યો અને મુખ્ય શિક્ષકોને મોકલવામાં આવ્યો છે.

હરિયાણા સરકારના આદેશમાં કહેવામાં આવ્યું છે કે જય હિંદનો નારા સુભાષ ચંદ્ર બોઝે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આપ્યો હતો. ભારતની સશ દળોએ પણ જય હિંદને સલામી તરીકે સ્વીકારી હતી. સરકારે કહ્યું છે કે હવે શાળાઓમાં ગુડ મોનગને બદલે જય હિંદનો ઉપયોગ કરવામાં આવશે. આનાથી વિદ્યાર્થીઓ દરરોજ રાષ્ટ્રીય એક્તાની ભાવના સાથે પ્રેરિત થશે. આ સાથે દેશના સમૃદ્ધ ઈતિહાસ પ્રત્યે આદર પણ વ્યક્ત કરી શકાય છે.

હરિયાણા સરકારે કહ્યું છે કે જય હિંદ સલામ વિદ્યાર્થીઓને દેશની આઝાદી માટે આપેલા બલિદાનની કદર કરવા પ્રોત્સાહિત કરશે. સરકારે એમ પણ કહ્યું છે કે જય હિન્દનો નારા પ્રાદેશિક, ભાષાકીય અને સાંસ્કૃતિક મતભેદોને પાર કરે છે અને વિવિધ પૃષ્ઠભૂમિના વિદ્યાર્થીઓ વચ્ચે એક્તાને પ્રોત્સાહન આપે છે.