ગ્લેમરસ એક્ટ્રેસ પર લાગ્યો છેતરપિંડીનો આરોપ, જ્વેલરી બ્રાન્ડે કહ્યું- કોન્ટ્રાક્ટના નિયમોનો ભંગ કર્યો

અવનીત કૌર હાલમાં એક મોટી મુશ્કેલીમાં મુકાઈ છે. હકીક્તમાં એક જવેલરી બ્રાન્ડે તેના પર છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. જવેલરી બ્રાન્ડનો આરોપ છે કે, વારંવારના વચનો આપવા છતાં અવનીત કૌર તેમને સોશિયલ મીડિયા પોસ્ટમાં ક્રેડિટ નથી આપી રહી. જે તેમના કરારનો એક મહત્ત્વપૂર્ણ ભાગ હતો. બ્રાન્ડનો આરોપ છે કે, અવનીત કૌરે તેમની જવેલરી પહેરી હતી, પરંતુ તે ક્રેડિટને વારંવાર અવગણી રહી હતી. કોન્ટ્રાક્ટના નિયમોના ઉલ્લંઘનને કારણે અવનીત કૌર કાનૂની મુશ્કેલીમાં ફસાઈ શકે છે.

જવેલરી બ્રાન્ડે અવનીત કૌર દ્વારા કરવામાં આવેલી છેતરપિંડી અંગે ઇન્સ્ટાગ્રામ પર એક લાંબી પોસ્ટ કરી છે. બ્રાન્ડે જણાવ્યું કે, અવનીતે તેમની જવેલરી પહેરીને પોઝ આપતાં તેમની બ્રાન્ડને ઇન્સ્ટાગ્રામ પર ટેગ કરવાની હતી, પરંતુ અભિનેત્રીએ તેમ કર્યું નહીં. બ્રાન્ડે અવનીત કૌર સાથે વાતચીતના વોટ્સઅપ સ્ક્રીનશોટ પણ શેર કર્યા છે.

જવેલરી બ્રાન્ડે જણાવ્યું કે, અવનીત કૌરે તેની યુરોપિયન ટ્રીપ દરમિયાન તેમની સાથે કરાર કર્યો હતો. વેકેશન દરમિયાન બ્રાન્ડે અવનીતને ઘણી જ્વેલરી આપી હતી. અવનીતે બ્રાન્ડને કહ્યું હતું કે, તે પિક્ચર પોસ્ટ કરતી વખતે તેણીની પોસ્ટમાં તેમને ક્રેડિટ આપશે, પરંતુ અવનીત તેની વાત પર કાયમ રહી નહીં અને બ્રાન્ડને કોઈ ક્રેડિટ આપ્યા વિના સોશિયલ મીડિયા પર તેમની જવેલરી પહેરીને પોસ્ટ કરતી રહી.