ભારત-શ્રીલંકાની મેચ બાદ આઇસીસી એક્શનમાં, ફિક્સિંગને લઈ માંગ્યો જવાબ

ભારત સામે ટી-૨૦ શ્રેણી ગુમાવ્યા બાદ શ્રીલંકાની ટીમે વનડે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કર્યું અને તેને ૨-૦થી જીતી લીધી. તે જ સમયે, ટીમ ઈન્ડિયાના શ્રીલંકા પ્રવાસના અંત સાથે આઇસીસીના ભ્રષ્ટાચાર વિરોધી યુનિટે શ્રીલંકન ટીમના એક ખેલાડી પાસેથી ખોટી પ્રવૃત્તિઓમાં સામેલ થવાના કારણે જવાબ માંગ્યો છે. શ્રીલંકન ટીમના સ્પિનર પ્રવીણ જયવિક્રમા પર ફિક્સિંગનો આરોપ લાગ્યો છે, જે બાદ ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે તેની પાસેથી જવાબ માંગ્યો છે અને તેના કારણે હવે તેની કારકિર્દી પર મોટો સવાલ ઉભો થઈ ગયો છે.

એક અહેવાલ મુજબ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે શ્રીલંકન ટીમના ખેલાડી પ્રવીણ જયવિક્રમા પર ૩ આરોપો લગાવ્યા છે.આઇસીસી ભ્રષ્ટાચાર વિરોધી સંહિતા હેઠળ, જયવિક્રમાએ ૧૪ દિવસની અંદર એટલે કે ૨૦ ઓગસ્ટ સુધીમાં આ તમામ આરોપોનો જવાબ આપવાનો રહેશે. વાસ્તવમાં, આઇસીસીના ભ્રષ્ટાચાર વિરોધી એકમે જયવિક્રમા પર આરોપ લગાવ્યો છે કે ફિક્સિંગને લઈને તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો તે માહિતી તેણે અમારી સાથે શેર કરી નથી.

આ સિવાય પ્રવીણ પર ભ્રષ્ટાચાર વિરોધી એકમની તપાસમાં અવરોધ ઉભો કરવાનો પણ આરોપ છે અને ત્યાર બાદ હવે આઇસીસીએ તેની સામે આ કાર્યવાહી કરી છે.આઇસીસી ભ્રષ્ટાચાર વિરોધી સંહિતાની કલમ ૨.૪.૪ હેઠળ તેમની સામે આ આરોપો લગાવવામાં આવ્યા છે. જો પ્રવીણ જયવિક્રમાના કરિયરની વાત કરીએ તો તે શ્રીલંકન ટીમ માટે અત્યાર સુધીમાં ૫ ટેસ્ટ, ૫ વનડે અને ૫ ટી૨૦ મેચ રમી ચુક્યો છે. જેમાં તેણે ટેસ્ટમાં ૨૫, વનડેમાં ૫ અને ટી૨૦માં ૨ વિકેટ ઝડપી છે. પ્રવીણે એપ્રિલ ૨૦૨૧માં શ્રીલંકન ટીમ માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું.