નવીદિલ્હી,
બાંગ્લાદેશના ‘ચિટાગોંગ હિલ ટ્રેક્ટ’થી મિઝોરમમાં હિંસાથી ભાગી રહેલા કુકી-ચીન આદિવાસી શરણાર્થીઓની સંખ્યા વધીને ૩૦૦ની નજીક પહોંચી ગઈ છે. આ બાબતની જાણકારી ધરાવતા એક સ્થાનિક નેતાએ આ માહિતી આપી હતી. સ્થાનિક શરણાર્થી આયોજક સમિતિના પ્રમુખ ગોસ્પેલ હમંગાઈહજુઆલાએ જણાવ્યું હતું કે ૨૧ કુકી-ચીન શરણાર્થીઓએ શુક્રવારે મોડી રાત્રે બાંગ્લાદેશના ચિત્તાગોંગ હિલ ટ્રેક્ટ થી સરહદ પાર કરી હતી. સીએચટીમાં કથિત હિંસાને કારણે મિઝોરમ આવેલા કુકી-ચીન શરણાર્થીઓને યાનમાં રાખીને લવાંગતલાઈ જિલ્લાના પરવા ગામના ગ્રામ સત્તાવાળાઓ અને બિન-સરકારી સંસ્થાઓ (એનજીઓ) દ્વારા તાજેતરમાં આયોજન સમિતિની રચના કરવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.
કુકી-ચીન જાતિ બાંગ્લાદેશ, મિઝોરમ અને મ્યાનમારના પહાડી વિસ્તારોમાં ફેલાયેલી છે. ગોસ્પેલે કહ્યું કે ૨૧ શરણાર્થીઓ સરહદ પાર કર્યા પછી તરત જ, બોર્ડર સિક્યુરિટી ફોર્સ તેમને સરહદી ગામથી લગભગ ૨૧ કિલોમીટર દૂર પરવા ગામમાં લાવ્યા. તેમણે જણાવ્યું કે હાલમાં બાંગ્લાદેશના કુલ ૨૯૪ લોકોએ પરવામાં એક શાળા, એક કોમ્યુનિટી હોલ, એક આંગણવાડી કેન્દ્ર અને એક સબ-સેન્ટરમાં આશ્રય લીધો છે. પરવા વિલેજ કાઉન્સિલના પ્રમુખ ગોસ્પેલે જણાવ્યું કે એનજીઓ દ્વારા કુકી-ચીન શરણાર્થીઓને ભોજન, કપડાં અને અન્ય રાહત સામગ્રી આપવામાં આવી રહી છે.
તેમણે જણાવ્યું કે શરણાર્થીઓની પ્રથમ ટુકડી ૨૦ નવેમ્બરે લવંગતલાઈ જિલ્લામાં પ્રવેશી હતી. બાંગ્લાદેશ આર્મી અને વંશીય વિદ્રોહી જૂથ, કુકી-ચિન નેશનલ આર્મી વચ્ચેના સશ સંઘર્ષને પગલે કુકી-ચિન સમુદાયના લોકો તેમના ઘર છોડીને મિઝોરમમાં આવી રહ્યા છે. રાજ્ય સરકારના અધિકારીઓએ આ મામલે કોઈ ટિપ્પણી કરી નથી. અગાઉ, મિઝોરમ કેબિનેટે મંગળવારે કુકી-ચીન શરણાર્થીઓ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી હતી અને તેમને કામચલાઉ આશ્રય, ખોરાક અને અન્ય મૂળભૂત સુવિધાઓ પ્રદાન કરવાનો નિર્ણય લીધો હતો. ‘સેન્ટ્રલ યંગ મિઝોરમ એસોસિએશન’ એ પણ વંશીય મિઝો શરણાર્થીઓને માનવતાવાદી સહાય પૂરી પાડવાનો નિર્ણય કર્યો છે.
આ એસોસિએશન મિઝોરમમાં એક મોટું સામાજિક સંગઠન છે, જે રાજ્યની અંદર અને બહાર લગભગ પાંચ લાખ સભ્યો ધરાવે છે. બાંગ્લાદેશમાં કુકી-ચીન સમુદાય મિઝોરમમાં મિઝો લોકો સાથે વંશીય સંબંધો ધરાવે છે અને તેમાંથી ઘણા રાજ્યમાં સંબંધીઓ ધરાવે છે. મિઝોરમમાં તમામ વંશીય ‘ઝો’ લોકો ‘મિઝો’ તરીકે ઓળખાય છે, જ્યારે મ્યાનમારમાં તેઓને ‘ચીન’ અથવા ‘ઝોમી’ અથવા ‘લામી’ અને મણિપુરમાં તેઓ કુકી તરીકે ઓળખાય છે.