અમેરિકામાં રહેતા ગુજરાતીઓની ગેરકાયદે કાર્યોમાં સંડોવણી વધતી જાય છે. આવા જ એક ગુજરાતની ધર્મેન પટેલની ડ્રગ ટ્રાફિકિંગના કેસમાં ધરપકડ કરવામાં આવે છે. ધર્મેન પટેલ લોરિડામાં ગેઇન્સવિલેનો રહેવાસી છે.
ગુજરાતી ધર્મેન પટેલે એક વ્હીકલ પર ફાયરિંગ કર્યું હોવાનો પોલીસ રિપોર્ટ થતાં તેને ડિટેઈન કરવામાં આવ્યો હતો અને તેની જડતી લેવામાં આવી ત્યારે તેના એક ખિસ્સામાંથી એક ગ્રામ કોકેઈન અને બીજા ખિસ્સામાંથી એમ્યુનેશન મળી આવ્યા હતા. ત્યારબાદ પોલીસે ધર્મેન પટેલની કાર પણ ચેક કરી હતી, જેમાં લોડેડ પિસ્તોલ મળી હતી જેના મેગેઝિનમાંથી કેટલાક રાઉન્ડ મિસિંગ હતા. આ ઉપરાંત ધર્મેનની કારમાંથી પોલીસને ૩૮૦ ગ્રામ જેટલું કોકેઈન અને આઠ હજાર ડોલર કેશ પણ મળી આવ્યા હતા.
અમેરિકન મીડિયાના રિપોર્ટ્સ અનુસાર ધર્મેન પટેલે કોકેઈન અને પિસ્તોલ પોતાના જ હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી. આરોપી પાસેથી મળેલા મુદ્દામાલના આધારે પોલીસે તેના પર ડ્રગ ટ્રાફિકિંગ તેમજ મની લોન્ડરિંગ સહિતના ચાર્જ લગાવી તેની ધરપકડ કરી હતી.
ધર્મેન પટેલને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો ત્યારે જજ જોનાથન રેમસેએ તેના પર ૩.૬૦ લાખ ડોલરનો બોન્ડ મૂક્યો હતો, જે દર્શાવે છે કે ધર્મેન પટેલ પર લાગેલા આરોપ ખૂબ જ ગંભીર છે. અલાચુઆ કાઉન્ટી જેલના સાત ઓગસ્ટના રેકોર્ડ અનુસાર ધર્મેન પટેલને છ ઓગસ્ટના રોજ પકડવામાં આવ્યો હતો અને પોલીસે તેને અલાચુઆ કાઉન્ટી જેલમાં મોકલી આપ્યો હતો.