સુપ્રિમ કોર્ટે શુક્રવારે પંજાબના ખદુર સાહિબથી સાંસદ તરીકે જેલમાં બંધ કટ્ટરપંથી શીખ ઉપદેશક અમૃતપાલ સિંહની ચૂંટણી સામે દાખલ કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. જસ્ટિસ બીઆર ગવઈ અને કે.વી. વિશ્ર્વનાથનની બેંચ સમક્ષ અરજદારે દાવો કર્યો હતો કે બંધારણની કલમ ૮૪ સંસદના સભ્યપદ માટેની લાયકાત સાથે સંબંધિત છે અને કહે છે કે કોઈ પણ વ્યક્તિ સંસદમાં બેઠક ભરવા માટે લાયક નથી જ્યાં સુધી તે ભારતના નાગરિક ન હોય. .
અરજદારે કહ્યું કે તે ખડૂર સાહિબ મતદારક્ષેત્રનો મતદાર નથી પરંતુ અમૃતપાલ સિંહ દ્વારા અગાઉ આપવામાં આવેલા નિવેદનોથી તે ખૂબ જ દુ:ખી છે. બેન્ચે કહ્યું, “આ પુરાવાનો મામલો છે. આ માટે નિયત પ્રક્રિયાઓ છે. લોક પ્રતિનિધિત્વ કાયદામાં જોગવાઈઓ છે.”
તમને જણાવી દઈએ કે ૫ જુલાઈએ અમૃતપાલ સિંહને લોક્સભા સભ્ય તરીકે શપથ લેવા માટે પેરોલ આપવામાં આવ્યો હતો. અમૃતપાલ સિંહ ‘વારિસ પંજાબ દે’ સંસ્થાના વડા છે. તે રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ હેઠળ કથિત અપરાધો માટે આસામના ડિબ્રુગઢ જિલ્લાની જેલમાં બંધ છે. અમૃતપાલ સિંહે જેલમાં રહીને ખડુર સાહિબથી અપક્ષ ઉમેદવાર તરીકે લોક્સભા ચૂંટણી જીતી છે.