લીમખેડા તાલુકાની પાલ્લી મુખ્ય પ્રાથમિક શાળામાં ગત ચાલુ શાળમાં ધો-4 વર્ગખંડનો સ્લેબ તુટી પડયો હતો. સદ્ભાગ્યે કોઈપણ બાળકને ઈજા નહિ થતાં હાશકારો રહ્યો હતો. સ્લેબ તુટ્યા બાદ પાલ્લી ગામના તમામ વાલીઓની યોજાયેલી મિટીંગમાં સામુહિક નિર્ણય કરવામાં આવ્યો હતો કે, જયાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નહિ આવે ત્યાં સુધી પાલ્લી ગામના બાળકોને અભ્યાસ માટે શાળામાં મોકલવામાં આવશે નહિ જેના ભાગરૂપે શાળાના કુલ 244 બાળકોમાં ફકત 53 બાળકો જ હાજર રહ્યા હતા. બીજી તરફ આચાર્ય દ્વારા સીઆરસી ની સુચનાથી તમામ જર્જરિત ઓરડાઓને રેડ ઝોન જાહેર કરીને લાલ રિબીન મારી દેવામાં આવી છે.
આ તો ધોડા છુટી ગયા પછી તબેલાને તાળા મારવા જેવો ધાટ સર્જાયો છે. આ જ શાળા 1991/92ના સમયગાળામાં પણ જમીનદોસ્ત થવાની ધટના સર્જાઈ હતી. જેમાં બે માસુમ બાળકોના મોત નીપજયાં હતા. જયારે 25 થી પણ વધારે બાળકોને ઈજાઓ પહોંચી હતી. 1991/92માં જે વિધાર્થીઓ ઉપર શાળા પડી હતી. તેમના જ બાળકો હાલ આ શાળામાં અભ્યાસ માટે આવે છે. એટલે વાલીઓને ડર છે કે, ધટના ભુતકાળમાં અમારી જોડે ધટી હતી. તે અમારા બાળકો જોડે નહિ થાય અને તત્કાલ બાળકો માટે વૈકલ્પિક સુવિધા ઉભી કરવામાં આવે એવી અપેક્ષા સેવી વાલીઓએ તેમના બાળકોને શાળામાં નહિ મોકલવાનો નિર્ણય મજબુરીથી લીધો છે. તેમજ શાળા સુરક્ષિત વાતાવરણ નહિ થાય તો તમામ વાલીઓ પોતાના બાળકોને આ શાળામાંથી બીજી શાળામાં એડમીશન અપાવવાની ઈચ્છા ધરાવી રહ્યા છે.