વિરપુર તાલુકામાં નાગાબાવાના સ્વાંગમાં કારમાં આવેલા ગઠિયાએ ખેડુતને મંદિરનો રસ્તો પુછવાના બહાને નજીકમાં બોલાવી સંમોહિત કરી તેના ગળામાંથી સોનાની ચેઈન અને વિંટી આંચકી લઈ ફરાર થઈ ગયો હતો.
તાલુકાના ડેભારી ગામના શિક્ષક બે માસ અગાઉ ગંધારી ગામ પાસેથી પસાર થતા હતા. ત્યારે કારમાં આવેલા નાગાબાવાએ નજીક બોલાવી આર્શિવાદ આપવાના બહાને તેમની સોનાની ચેઈન કાઢી લઈ ફરાર થવાનો બનાવ બન્યો હતો. તે બાદ તાલુકામાં બીજો આવો બનાવ સામે આવ્યો હતો. વરધરા ગામના ખેડુત રમણભાઈ નાથાભાઈ પટેલ વિરપુરથી દુધ લઈ પરત ગામ જઈ રહ્યા હતા તે સમયે રોડની સાઈડમાં ઉભા હતતા. ત્યારે વિરપુર તરફથી આવેલી કારમાં ડ્રાઈવરની બાજુમાં બેસેલા નાગાબાવાએ ખેડુતને શિવજીના મંદિરનો રસ્તો પુછવા નજીક બોલાવ્યા હતા. જેથી તેઓ કાર પાસે જતાં જ તેમને સંમોહિત કરી નાગાબાવાએ તેમની સોનાની ચેઈન અને હાથની આંગળીમાંથી વિંટી કાઢી લઈ ફરાર થઈ ગયો હતો. જેના થોડા સમય બાદ તેઓ ભાનમાં આવતા પોતાની સોનાની ચેઈન અને વિંટી ગાયબ જોતા તેમણે વિરપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સીસીટીવી ફુટેજના આધારે ઠગ નાગાબાવા અને તેમની સાથેના ડ્રાઈવરની શોધખોળ આદરી છે.