સુખસર ખાતે પત્નિ પર ચપ્પુ વડે હુમલો કરી નાસી છુટેલ પતિ ઝડપાયો

ફતેપુરા તાલુકાના સુખસર ખાતે મકાન અને દુકાન વેચી દેવા જેવી નજીવી બાબતના ઝધડામાં પતિએ પત્નિને ચપ્પુના ધા ઝીંકી દીધા હતા. જે બાદ ફરાર હુમલાખોર પતિને પોલીસે ઝડપી પાડયો હતો.

સુખસર ખાતે રહેતા દલસિંહ છગનભાઈ વસૈયા માર્કેટયાર્ડમાં દુકાન અને મકાન ધરાવે છે. તેમણે ગત તા.4થી એ દુકાન અને મકાન વેચી દેવાનુ જણાવતા પત્નિ સાથે ઝધડો થયો હતો. જેમાં ઉશ્કેરાયેલા પતિ દલસિંગે તેની પત્નિના ગળાના ભાગે ચપ્પુ વડે હુમલો કરી ધા ઝીંકી દેતા તેઓ લોહીલુહાણ થઈને ફસડાઈ પડી હતી. બુમાબુમ થતાં પરિવારના સભ્યો દોડી આવતા હુમલાખોર પતિ ફરાર થઈ ગયો હતો. જે બાદ પરિવારજનોએ ઈજાગ્રસ્ત પરિણીતાને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડી હતી. જયારે બનાવ અંગે પુત્રએ પોતાના પિતા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ફરાર પતિને શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન પોલીસે બાતમીના આધારે આરોપી દલસિંગ વસૈયાને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.