ભાવિ શિક્ષિકા બહેનોએ જીલ્લા ન્યાયાલય, નડીઆદની મુલાકાત લીધી

જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ખેડા-નડીઆદના ચેરમેન અને મુખ્ય જીલ્લા ન્યાયાધીશ . એન એ અંજારીઆની સૂચના અને માર્ગદર્શન અનુસાર ફુલ ટાઈમ સેક્રેટરી (સિનિયર સિવિલ જજ કેડર) ડી.બી. જોષી તથા તાલુકા કાનૂની સેવા સમિતિ, સિનિયર સિવિલ કોર્ટ, નડીઆદના ચેરમેન અને પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ . જી ડી. પડીયા દ્વારા મફત કાનૂની સેવા-સહાય અને શિક્ષણની જાણકારી તમામ નાગરિકો સુધી પહોચે તે હેતુસર જનજાગૃતિ અને પ્રચાર-પ્રસારની સઘન અને અસરકારક કામગીરી થાય તે માટે સમયાંતરે અને નિયમિત રૂપે કાનૂની શિક્ષણનાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. જેનાં ભાગરૂપે નડીઆદ સ્થિત સરદાર વલ્લભભાઈ સ્ત્રી અધ્યાપન મંદિર સંસ્થામાં અભ્યાસ કરતી અને ભવિષ્યમાં શિક્ષિકા તરીકે સેવાઓ આપનાર વિધાર્થીની બહેનોને જીલ્લા ન્યાયાલય, નડીઆદની મુલાકાત અને કામગીરીની માહિતી મેળવવા વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ.

આ કાર્યક્રમમાં સરદાર વલ્લભભાઈ સ્ત્રી અધ્યાપન મંદિરનાં આચાર્ય ડો. પ્રીતીબેન એ. વાઘેલા કુલ-200 ભાવિ શિક્ષિકા વિદ્યાર્થીની બહેનોને 2 દિવસ સુધી ટીમ બનાવીને જીલ્લા ન્યાયાલય નડીઆદની મુલાકાતે આવેલ, જેમાં તાલુકા કાનૂની સેવા સમિતિ, સિનિયર સિવિલ કોર્ટ, નડીઆદના ચેરમેન અને પ્રિન્સિપાલ સિનિયર સિવિલ જજ . જી ડી. પડીયા દ્વારા વિદ્યાર્થીનીઓને ન્યાયાલયની કામગીરી વિષે વિસ્તૃત માહિતી અને સમજ આપીને ભવિષ્યમાં શિક્ષિકાઓ તરીકે સારા નાગરિકોનું ઘડતર કરવા પ્રોત્સાહિત કરીને ઉજ્જવળ કારકીર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ત્યારબાદ જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ખેડા-નડીઆદના ફુલ ટાઈમ સેક્રેટરી (સિનિયર સિવિલ જજ કેડર) . ડી બી. જોષી દ્વારા મફત અને સક્ષમ કાનૂની સેવા-સહાય, મધ્યસ્થીકરણ પ્રક્રીયા તથા લોક અદાલત વિશે વિસ્તૃત માહિતી અને સમજ આપી હતી.

આ કાર્યક્રમમાં જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જીલ્લા ન્યાયાલય, ખેડા-નડીઆદના સુપ્રિન્ટેન્ડેન્ટ એચ એન. ઠાકર તથા નિલેશ ચૌધરી દ્વારા વિધાર્થીનીઓને જીલ્લા ન્યાયાલય નડીઆદ ખાતે આવેલ વિવિધ કોર્ટો અને વિભાગોની રૂબરૂ મુલાકાત કરાવી કામગીરીનું નિરીક્ષણ કરાવ્યું હતું. જેમાં સરદાર વલ્લભભાઈ સ્ત્રી અધ્યાપન મંદિર નડીઆદનાં આચાર્ય ડો. પ્રીતીબેન એ. વાઘેલા, શિક્ષકગણ તથા 200 ભાવિ શિક્ષિકા બહેનો સહિત કુલ-210 બહેનોએ હાજર રહીને લાભ લઇ આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.