નડિયાદ સાથે મહાત્મા ગાંધીજીનો અનન્ય નાતો:ગાંધીજી નડિયાદ ખાતેના હિન્દુ અનાથઆશ્રમમાં 10 દિવસ સુધી રોકાયા હતા.

  • ગાંધીજી અને સરદાર પટેલની યાદમાં અહીં ગાંધી-સરદાર સ્મૃતિભવનું નિર્માણ કરવામાં આવ્યું છે.
  • અહીંની ગાંધીજી અને સરદાર પટેલની ગોષ્ઠી કરતી પ્રતિમા બની રહી છે આકર્ષણનું કેન્દ્ર.

નડિયાદમાં આવેલો હિન્દુ અનાથ આશ્રમ આઝાદી સમયે સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે પિયરઘર ગણાતું હતું. આ એ જ આશ્રમ છે, જ્યાં સરદાર પટેલ અને ગાંધીજી એકસાથે ખેડા સત્યાગ્રહની લડત લડ્યા હતા. વર્ષ 1916 માં ગાંધીજીએ ખેડાની ધરતી પર પગ મૂક્યો ત્યારે લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. અનેક લોકો ગાંધીજીને લેવા માટે બળદગાડામાં નડિયાદ રેલવે સ્ટેશન પહોચ્યા હતા. એ પ્રસંગની તસવીર આજે પણ આ હિન્દુ અનાથ આશ્રમની ઐતિહાસિક ફોટો ગેલેરીમાં છે.

ગાંધીજી આ આશ્રમમાં 10 દિવસ રોકાયા હતા અને આશ્રમની પ્રવૃતિથી ઘણા પ્રભાવિત થયા હતા. મહાત્મા ગાંધીજીએ આ આશ્રમને દેશનો શ્રેષ્ઠ આશ્રમ છે તેવું પ્રમાણપત્ર તેમના હાથેથી લખીને આપ્યું હતું. કવિવર રવિન્દ્રનાથ ટાગોર પણ આ આશ્રમથી પ્રભાવિત થઈને તેની મુલાકાત માટે ખાસ અહીંઆવ્યા હતા. આજે પણ આશ્રમમાં ગાંધીવિચાર અને આચરણની ઝલક અનુભવાય છે. અહીં ગાંધીજી અને સરદાર પટેલની યાદમાં વર્ષ 2008મા ગાંધી-સરદાર સ્મૃતિભવનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં મહાત્મા ગાંધીજી અને સરદાર પટેલ સાથે જોડાયેલા આશ્રમના સંસ્મરણોને સંગ્રહવામાં આવ્યા છે. આ આશ્રમમાં રહેલી ગાંધીજી અને સરદાર પટેલની ગોષ્ઠી કરતી પ્રતિમા સૌનું ધ્યાન ખેંચે છે. 117 વર્ષ કરતા પણ જૂના આ આશ્રમને સેવાકીય પ્રવૃત્તિ માટે અનેક રાષ્ટ્રીય પુરસ્કાર મળી ચૂકયા છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે હિન્દુ અનાથ આશ્રમની ખાસ મુલાકાત લીધી હતી અને તેમણે આશ્રમના સંચાલકો પાસેથી સેવાકીય પ્રવૃતિ તથા સંચાલન પદ્ધતિમાંથી ગુજરાતના વહીવટી વિભાગને શીખ લેવા કહ્યું હતું.

આ આશ્રમ અનાથ બાળકોને ઉત્તમ ઘડતર, શૈક્ષણિક સજ્જતા, આદર્શ જીવનની તકો અને પારિવારિક હુંફ પૂરી પાડે છે. આ આશ્રમનો અત્યાર સુધીમાં 6,000 થી વધુ બાળકોને લાભ મળ્યો છે. આશ્રમની 600 જેટલી દીકરીઓના લગ્ન કરાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, લગ્ન બાદ પણ દીકરીઓની સંભાળ રાખવામાં આવે છે. આ આશ્રમ દીકરીઓને પિયરની ગરજ સારે છે. દર અખાત્રીજના દિવસે તમામ દીકરીઓને બોલાવીને ભોજન સમારોહ યોજવામાં આવે છે અને દીકરીઓને તેમની જરૂરિયાત પૂછીને મદદ કરવામાં આવે છે. અહીંના બાળકોને વિવિધ વ્યવસાયોમાં કેવી રીતે કામ મળી શકે તે માટે પણ પૂરતા પ્રયત્નો કરવામાં આવે છે. દીકરીઓને બ્યુટી પાર્લર અને રસોઈ માટેની તાલીમ આપવામાં આવે છે, જેનાથી દીકરીઓ આત્મનિર્ભર બની શકે. આશ્રમમાં નબળી પરિસ્થિતિ ધરાવતા લોકોને ફક્ત પાંચ રૂપિયામાં આરોગ્ય સેવા આપવામાં આવે છે.

આમ, ઐતિહાસિક મહત્વ ધરાવતા આ વિશિષ્ટ આશ્રમ દ્વારા સમાજસેવાનું પણ ઉત્તમ કાર્ય કરવામાં આવી રહ્યું છે.