ઈમામોને વેતન ચૂકવવાનો સુપ્રીમનો ૧૯૯૩નો ચુકાદો બંધારણનો ભંગ: મુખ્ય માહિતી કમિશનર

નવીદિલ્હી,

મસ્જિદોના ઈમામોને વેતન ચૂકવવાની મંજૂરી આપતો સુપ્રીમ કોર્ટનો ૧૯૯૩નો ચુકાદો બંધારણનો ભંગ છે અને તેને કારણે સમાજિક વિસંવાદિતતામાં વધારો થયો હોવાનું કેન્દ્રીય માહિતી પંચ (સીઆઈસી)એ જણાવ્યું છે. પંચના જણાવ્યાં અનુસાર સુપ્રીમ કોર્ટના આ ચુકાદાએ ખોટું ઉદાહરણ પ્રસ્થાપિત કર્યું છે અને તેના કારણે બિનજરૂરી રાજકીય વિવાદ પણ સર્જાઈ રહ્યાં છે.

દિલ્હી સરકાર અને દિલ્હી વકફ બોર્ડ દ્વારા ઈમામોને અપાતા વેતનની માહિતી માગતી એક જાહેર હિતની અરજી (પીઆઈએલ)ની સુનાવણી દરમિયાન મુખ્ય માહિતી કમિશનર ઉદય માહુરકરે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો બંધારણીય જોગવાઈઓનો ભંગ કરે છે. કરદાતાઓના નાણાં કોઈ એક ચોક્કસ ધર્મની તરફેણ માટે ના વપરાવા જોઈએ. ૧૯૯૩માં ઓલ ઇન્ડિયા ઇમામ ઓર્ગેનાઇઝેશનની અરજી પર સુપ્રીમ કોર્ટે વકફ બોર્ડને તેના દ્વારા સંચાલિત મસ્જિદોમાં ઇમામોને મહેનતાણું આપવાનો આદેશ કર્યો હતો. કેન્દ્ર અને રાજ્ય સરકારની તિજોરીમાંથી અપાતા માસિક વેતન તથા અન્ય મામલાઓમાં તમામ ધર્મના પૂજારીઓને એક સમાન સ્તરે લાવવા માટે બંધારણની કલમ ૨૫થી ૨૮ની જોગવાઈઓનો અમલ સુનિશ્ર્ચિત થાય તે માટે આવશ્યક પગલાં લેવા માટે મુખ્ય માહિતી કમિશનરે તેમના આદેશની એક નકલ કેન્દ્રીય કાયદા પ્રધાનને મોકલવાનો નિર્દેશ આપ્યો હતો.

માહુરકરે વધુમાં જણાવ્યું હતું કે ઓલ ઈન્ડિયા ઈમામ ઓર્ગેનાઈઝેશન’ વિરુદ્ધ ભારત સરકાર અને અન્યોના કેસમાં ૧૩ મે, ૧૯૯૩ના રોજના સુપ્રીમ કોર્ટના ચુકાદાએ માત્ર મસ્જિદના ઈમામો અને બાંગીઓ માટે સરકારી તિજોરીમાંથી વિશેષ નાણાકીય લાભોના દ્વાર ખુલ્લા મુક્યા હતાં. પંચે એવુ પણ અવલોકન કર્યું હતું કે દેશની સર્વોચ્ચ અદાલતે આ આદેશ પસાર કરી બંધારણની જોગવાઈઓનો, અને ખાસ કરીને કલમ ૨૭નો કર્યો છે. બંધારણની કલમ ૨૭માં કહેવામાં આવ્યું છે કે કરદાતાઓના નાણાંનો ઉપયોગ કોઈ ચોક્કસ ધર્મની તરફેણ કરવા માટે કરવામાં નહીં આવે.

મુખ્ય માહિતી અધિકારીએ જણાવ્યું હતું કે દિલ્હી વકફ બોર્ડ (ડીડબ્લ્યુબી) ને દિલ્હી સરકાર તરફથી વાષક આશરે રૂ.૬૨ કરોડની ગ્રાન્ટ મળે છે જ્યારે સ્વતંત્ર સ્રોતોથી તેની પોતાની માસિક આવક માત્ર રૂ. ૩૦ લાખની આસપાસ છે. દિલ્હીની વકફ મસ્જિદોના ઇમામો અને બાંગીઓને આપવામાં આવતા રૂ. ૧૮૦૦૦ અને રૂ. ૧૬૦૦૦ ના માસિક માનદ્ વેતન દિલ્હી સરકાર દ્વારા કરદાતાઓના નાણાંમાંથી ચૂકવવામાં આવે છે. જ્યારે હિન્દુ મંદિરના પૂજારીને મંદિરનું સંચાલન કરતા ટ્રસ્ટ તરફથી દર મહિને માત્ર રૂ. ૨૦૦૦ મળે છે. માહુરકરે દિલ્હી વકફ બોર્ડ અને દિલ્હીના મુખ્યમંત્રીની કચેરીને અગ્રવાલની આરટીઆઈ અરજી પર જવાબ રજૂ કરવા આપવા નિર્દેશ આપ્યો હતો.