ઓલિમ્પિકમાં ભારતને શર્મિંદગી, ખેલાડીને તાત્કાલિક પેરિસ છોડવા આદેશ

ભારત માટે પેરિસ ઓલિમ્પિકથી એક માઠા સમાચાર સામે આવ્યા છે. અહીં યુવા પહેલવાન અંતિમ પંઘાલ અને તેમની બહેનને તાત્કાલિક પેરિસ છોડવાનો આદેશ કરવામાં આવ્યો છે કેમ કે આ યુવા પહેલવાને સ્પોર્ટ્સ વિલેજમાંથી તેનું અંગત સામાન લેવા માટે પોતાનો સત્તાવાર ઓળખ કાર્ડ પોતાની નાની બહેનને આપી દેવાનો આરોપ છે. સુરક્ષાકર્મીઓએ તેની બહેનને પકડી લીધી હતી.

અંતિમ પંઘાલ મહિલાઓની ૫૩ કિગ્રા કેટેગરીમાં તેની પહેલી મેચ હાર્યા બાદ પેરિસ ઓલિમ્પિકથી બહાર થઈ ગઈ હતી અને હોટેલ જતી રહી જ્યાં તેના નોમિનેટેડ કોચ ભગત સિંહ અને વાસ્તવિક કોચ વિકાસ પણ રોકાયેલા હતા. અંતિમ પંઘાલે તેની બહેનને સ્પોર્ટ્સ વિલેજ જઈને તેનું સામાન લઈ આવવા માટે કહ્યું હતું.

તેની બહેન સ્પોર્ટ્સ વિલેજમાં ઘૂસવામાં સફળ તો થઇ પણ બહાર નીકળતી વખતે સુરક્ષાકર્મીઓએ તેને પકડી પાડી હતી. તેને પોતાનું નિવેદન નોંધાવવા માટે સ્થાનિક પોલીસ સ્ટેશને પણ લઈ જવામાં આવી હતી અને ૧૯ વર્ષીય જૂનિયર વર્લ્ડ ચેમ્પિયન અંતિમ પંઘાયલને પણ પોલીસે નિવેદન નોંધાવવા બોલાવી હતી. આટલું જ નહીં અંતિમના અંગત સ્ટાફ વિકાસ અને ભગત કથિતરૂપે નશાની હાલતમાં કેબમાં ફરી રહ્યા હતા અને તેમણે ભાડું ચૂકવવા ઈનકાર કરી દીધો હતો જેના બાદ ડ્રાઈવરે પોલીસ બોલાવી હતી. આઈઓએના સૂત્રોએ કહ્યું કે અમે હાલ આ મામલાને શાંત પાડવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.