ભારતીય શૂટર મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં દેશ માટે પહેલો મેડલ જીત્યો હતો. તેણે દેશને બ્રોન્ઝ મેડલ અપાવ્યો છે. ભારતે પેરિસ ઓલિમ્પિકમાં અત્યાર સુધીમાં ત્રણ મેડલ જીત્યા છે અને ત્રણેય શૂટિંગમાંથી આવ્યા છે. રમત-ગમત મંત્રી મનસુખ માંડવિયાએ તાજેતરમાં જ મનુ ભાકર સાથે મુલાકાત કરી એને તેમણે મુલાકાત દરમિયાન મનુ ભાકરને પ્રાઈઝ મનીનો ચેક પણ આપ્યો હતો. મનુ ભાકરે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી. રમત-ગમત મંત્રી માંડવિયાએ પણ સોશિયલ મીડિયા પર આ પોસ્ટ શેર કરી છે.
ભારતને મહિલા પિસ્તોલ શૂટિંગમાં બ્રોન્ઝ મેડલ અપાવનાર મનુ ભાકરને ૩૦ લાખ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો છે. કેન્દ્રીય રમત-ગમત મંત્રી મનસુખ માંડવિયાએ મનુ ભાકરને ચેક સોંપ્યો છે. તેમણે મનુ ભાકર માટે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને લખ્યું કે, પેરિસ ઓલિમ્પિક ૨૦૨૪માં બે બ્રોન્ઝ મેડલ જીતીને દેશ પરત ફરેલી દીકરી મનુ ભાકર સાથે આજે મુલાકાત કરી અને તેને ઐતિહાસિક જીત માટે અભિનંદન અને શુભકામના પાઠવી. મનુ ભાકરની આ સફળતા ભારતીય ખેલ જગતના કરોડો યુવાઓને પ્રેરણા આપશે. આખા દેશને તેમના પર ગર્વ છે.
તમને જણાવી દઈએ કે, મનુ ભાકરે ૧૦ મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્યારબાદ ૧૦ મીટર એર પિસ્તલ મિક્સ્ડ ટીમ ઈવેન્ટમાં પણ બ્રોન્ઝ જીત્યો હતો. ભારતને ત્રીજો બ્રોન્ઝ સ્વપ્નિલે અપાવ્યો હતો.