સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આદિવાસી મ્યુઝીયમનું કામ ચાલી રહ્યું છે, ત્યારે મ્યુઝીયમમાં કામ કરતા લોકોએ ૨ આદિવાસી યુવાનોને ચોરીની શંકાએ ઢોર માર માર્યો હતો. દોરડા વડે બાંધીને ઢોર માર મારતા બંને યુવાનોનું મોત થયું હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે. એક યુવાન જયેશ તડવીનું ઘટના સ્થળે મોત થયું, જ્યારે બીજા દિવસે સંજય તડવી નામના યુવાનનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
પોલીસે સમગ્ર મામલે ૬ લોકો વિરુદ્ધ હત્યા, રાયોટિંગ અને એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધી ધરપકડ કરી છે. પકડાયેલા તમામ આરોપીઓનો મેડિકલ ટેસ્ટ કરવામાં આવશે. નાંદોદના ધારાસભ્ય ડો. દર્શનાબેન દેશમુખે બંને યુવાનોને સહાય આપવાની માંગ કરી છે.
બીજી બાજુ, નર્મદા આદિવાસી મ્યુઝિયમમાં ડબલ મર્ડર મામલે નર્મદા એસપી પ્રશાંત સુબેનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, નર્મદા જિલ્લા પોલીસે ડબલ મર્ડરનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. આરોપીઓના રિમાન્ડની પણ માંગ કરશું. કેવડિયાની ઘટના અંગે સાંસદ મનસુખ વસાવાનું ટ્વિટ સામે આવ્યું છે. મનસુખ વસાવાએ ઘટનાને સખત શબ્દોમાં વખોડી છે. બંન્ને પરિવારજનોને ન્યાય મળે તે માટે પોલીસને સૂચન કર્યા છે.
એસઓયુ વહીવટી તંત્રને પણ તકેદારી રાખવા માટે સૂચન કર્યું છે.ધારાસભ્ય ચૈતર વસાવાએ બંધનું એલાન આપ્યું છે. આવતીકાલે ગરુડેશ્ર્વર, કેવડિયા બંધનું એલાન જાહેર કર્યું છે. જ્યાં સુધી એજન્સીના મુખ્ય સંચાલકો અને મારનારાઓના નામ નહીં જાહેર થાય ત્યાં સુધી મૃતદેહના સ્વીકારનો પણ ઈનકાર કરાયો છે. આ બનાવ બાદ ચૈતર વસાવા રાજપીપળા જૂની હોસ્પિટલ પહોંચ્યા હતા.
કેવડિયામાં આદિવાસી યુવાનો પરના હુમલાની ઘટનાને સાંસદ મનસુખ વસાવાએ સખ્ત શબ્દોમાં વખોડી છે. સાસંદ મનસુખ વસાવાએ કેવડિયામાં થયેલ હુમલાની ઘટનામાં બંને પરિવારજનોને ન્યાય મળે માટે તંત્રને અપીલ કરી. આદિવાસી યુવાન પરના ઘટનાની નિંદ કરતા મનસુખ વસાવાએ કહ્યું કે બંને યુવાનોના પરિવારજનો પ્રત્યેમારી સંવેદના છે. આ ઘટના પર રાજનીતિ કરવાને બદલે બંને પક્ષને ન્યાય મળે તેવા પ્રયાસ કરવા જોઈએ. ‘પ્રસાસન જરાપણ નમતુ જોખ્યાવિના આ મામલામાં કડક કાર્યવાહિ કરે માટે પોલીસ અને વહીવટી તંત્રને સૂચન કર્યું.તેમણે દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોને જે સહાય મળવાપાત્ર થાય છે તે તેમને અપાવવા માટે કાર્યવંત છીએ.
આ મામલે સ્થાનકિ કાર્યકરો સાથે સતત સંપર્કમાં છીએ. મૃતકોના પરિવારજનોને દરેક પ્રકારની સહાય મળી રહે તે માટેની તકેદારી રાખી રહ્યા છીએ. ઘટનામાં બુધવારે મૃત્યુ પામનાર જયેશભાઈ શનાભાઈ તડવીને કંપની તરફથી ૨૦ લાખ રૂપિયાનું વળતર ચુકવવામાં આવ્યું છે. જ્યારે આજે મૃત્યુ પામનાર સંજયભાઈ ગજેન્દ્રભાઈ તડવીને પહેલાં ૫ લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા. બાકીના ૧૫ લાખ રૂપિયા ચુકવવાની કાર્યવાહી ચાલુ જ છે.
ચૈતર વસાવા અને તેમના સાગરિતો આ ઘટનાને રાજકીય મુદ્દો બનાવે છે, તે ખરેખર ન બનાવવો જોઈએ. આ એક સંવેદનાનો વિષય છે. તેમાં બધાંએ સાથે મળીને ભોગ બનનારા વ્યક્તિઓની મદદ માટે આગળ આવવું જોઈએ. અમે લોકો આ ઘટનાને લઈને ખુબ જ દુ:ખી છીએ. મૃતકોના પરિવારને ન્યાય મળે તે માટેની કાર્યવાહી પણ ચાલુ જ છે. મૃતકોના આત્મા ને શાંતિ મળે એના માટે સૌ સાથે મળીને પ્રાર્થના કરીએ.