અમદાવાદની એલજી હોસ્પિટલમાં ૩૦ વર્ષીય યુવકનું મોત થતા પરિજનોનો હોબાળો

અમદાવાદની એલ.જી. હોસ્પિટલમાં એક ૩૦ વર્ષીય યુવકનું મોત થતા પરિજનોએ હોબાળો કર્યો. પરિજનોએ આક્ષેપ કર્યા, કે હોસ્પિટલના સ્ટાફની બેદરકારીના કારણે યુવકનું મોત થયું. યુવકને અકસ્માત બાદ હોસ્પિટલમાં લવાતા સ્થળ પરના મહિલા તબીબે સારવાર ના આપી અને કહ્યું કે- મારો સમય પૂરો થઇ ગયો છે. પરિજનોએ આક્ષેપ કર્યા કે તેઓ હોસ્પિટલના સ્ટાફ સામે સતત આજીજી કરતા રહ્યા છતાં ઓક્સિજન ના આપ્યું. સમયસર સારવાર પણ ના આપી.

ઉપરાંત, જ્યારે યુવકને ૧૦૮ એમ્બ્યુલન્સમાં લવાતો હતો. ત્યારે પણ ઓક્સિજન ના આપ્યું. એટલું જ નહીં, હોસ્પિટલના તબીબો ઝઘડવા લાગ્યા અને સ્ટાફના બાઉન્સરોએ તો અપશબ્દો બોલીને હાથ ઉપાડ્યો. જો કે યુવકનું મોત થતા પરિજનોમાં ભારે આક્રોશ અને શોકનો માહોલ છે.

ઉલ્લેખનીય છે, જગન્નાથ શાક માર્કેટ પાસે યુવક બે ગાડીઓ વચ્ચે દબાયો હતો. જેના કારણે તેના શરીરમાં ઇન્ટર્નલ ઇન્જરી થઇ હતી. આ પછી, યુવકને ૧૦૮ મારફતે હોસ્પિટલ લઇ જવાયો. પરંતુ, યુવક ના બચી શક્યો. તો, આ સમગ્ર ઘટના અંગે એલ.જી. હોસ્પિટલના સુપરિટેન્ડેન્ટને સવાલ પૂછાયો તો તેમણે કહ્યું કે- યુવકના પરિજનો અને સ્ટાફ વચ્ચે કંઇક ગેરસમજ થઇ છે. આ મામલે તપાસ કરાશે.