સ્વાતંત્ર્ય પર્વ રાજ્ય ઉત્સવ: ખેડા- નડિયાદ: નડિયાદમાં 150 રાઉન્ડ ગોળીબાર કરી પોલીસ રાષ્ટ્રધ્વજને આપશે સન્માન.

  • નડિયાદમાં 78મા સ્વાતંત્ર્ય દિનના રાજ્ય ઉત્સવની પરેડમાં વોલી ફાયરિંગનું આકર્ષણ.

ખેડા જીલ્લાના નડિયાદમાં 78મા સ્વાતંત્ર્ય દિનની રાજ્ય કક્ષાની ઉજવણીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. દેશની આઝાદીના આ અવસરને પૂર્ણ શાનથી ઉજવવા માટે જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ કરાઇ છે. સ્વાતંત્ર્ય દિને પોલીસ તંત્ર દ્વારા 150 રાઉન્ડ ગોળીબાર કરી તિરંગાને સલામી આપવામાં આવશે.

સ્વાતંત્ર્ય દિનની પરેડના નોડલ અધિકારી એવા નાયબ પોલીસ અધિક્ષક વિજયસિંહ પરમારે કેટલીક રસપ્રદ માહિતી આપતા જણાવ્યું હતું કે, 78મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં વોલી ફાયરિંગ કરવામાં આવશે. જેને ગુજરાતીમાં હર્ષધ્વની તરીકે પણ ઓળખવામાં આવે છે. વોલી ફાયરિંગ મૂલ: તિરબાજોની એક પ્રકારની યુદ્ધની રણનીતિ છે. વોલી શબ્દ લેટિન શબ્દ વોલર ઉપરથી ઉતરી આવ્યો છે. જેનો મતલબ ઉડવું એવો થાય છે. એવું માનવામાં આવે છે કે વોલી ફાયરિંગ યુદ્ધનીતિ ગ્રિકો દ્વારા ઉપયોગમાં આવતી હતી.

જેમાં હરીફો ઉપર એક ટ્રુપ દ્વારા વારાફરતી વારંવાર બાણવર્ષા કરવામાં આવે છે. જેથી દુશ્મનો ઉપર રીતસર બાણનો વરસાદ થઇ જાય. બાદમાં દારૂગોળાની શોધ થઇ. એટલે, વોલી ફાયરિંગ તોપ સાથે જોડાઇ ગયું. ભારતમાં આ પરંપરા અંગ્રેજોના શાસનકાળ દરમિયાન દાખલ થઇ. વળી, અંગ્રેજોએ ભારતના રજવાડાઓને તેના રાજ્યના કદના આધારે તોપોની સલામી આપવાનું નિયત કર્યું હતું. કોઇ રાજાને પાંચ તોપની તો કોઇ રાજાને 21 તોપની સલામી આપવામાં આવતી હતી. એટલે અંગ્રેજી અમલદારો તોપો ફોડીને રાજાઓ પ્રત્યે સન્માન અને હર્ષની લાગણી વ્યક્ત કરતા હતા. હવે, આ જ પરંપરા સુરક્ષા જવાનોએ તિરંગાની શાનને કેન્દ્રમાં બરકરાર રાખી છે.

એ વાત આપણે સારી રીતે જાણીએ છીએ કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સ્વાતંત્ર્ય પર્વ અને પ્રજાસત્તાક તથા ગુજરાત સ્થાપના દિનની ઉજવણી પાટનગર ગાંધીનગરથી બહાર રાજ્યના જીલ્લા મથકોએ ઉજવણી કરવાની પહેલ કરી હતી. તે પહેલના ભાગરૂપે નડિયાદમાં વર્ષ – 2011 બાદ બીજી વખત રાજ્ય મહોત્સવની ઉજવણી થઇ રહી છે.

તા.15 ઓગસ્ટના રોજ એસ.આર.પી.ગ્રાઉન્ડમાં સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં ભાગ લઇ રહેલી 19 પૈકી એક પ્લાટૂન વોલી ફાયરિંગની પણ છે. જેમાં 30 જેટલા પોલીસ જવાન જોડાયા છે. જે હર્ષધ્વની કરવાના છે. તિરંગાને સલામી અપાયા બાદ આ જવાનો ઈન્સાસ રાયફલ દ્વારા ફાયરિંગ કરી રાષ્ટ્રધ્વજને સન્માન આપશે. કોઇના પ્રત્યે સર્વોચ્ચ માન આપવાની આ પ્રથા અનોખી છે. નડિયાદમાં લગભગ 150 રાઉન્ડ ગોળીબાર કરી તિરંગાને સન્માન આપવામાં આવશે.