અમદાવાદ હવે ગાંજાની હેરફેરનું કેન્દ્ર, મહિલા ૧૪ કિલો ગાંજા સાથે પકડાઈ

અમદાવાદ શહેર હવે સ્માર્ટસિટીમાંથી ક્રાઇમ સિટી બનવા તરફ આગળ વધી રહ્યુ છે. આના પગલે હવે અમદાવાદ ગાંજાની હેરફેરમાં આગળ પડતું સ્થાન ધરાવતું શહેર બની ગયું છે. હવે ગાંજાની હેરફેરની ખાસિયત એવી થઈ છે કે પહેલા તો પુરુષો અને યુવાનો જ પકડાતા હતા પમ હવે મહિલાઓ પણ પકડાવવા લાગી છે.

શહેરના વટવા ગરીબ આવાસ યોજનાના મકાનમાંથી ગાંજો ઝડપાયો.એસઓજી ક્રાઇમે આશરે દોઢ લાખની કિંમતનો ૧૪ કિલો ૪૫૦ ગ્રામ જેટલા ગાંજા સાથે શબનમબાનું શેખ નામની મહિલાની ધરપકડ કરી છે. મહિલા પાસેથી ગાંજો મંગાવનાર આરોપીઓ અબ્દુલ માજીદ મલેક તેમજ કાયનાત સૈયદ ફરાર છે.

ગાંજાનો જથ્થો પુરો પાડનાર સુરતનો અશ્ર્વિનીકુમાર પણ ફરાર છે. આ મામલે એસઓજીએ ગુનો દાખલ કરીને આગળની તપાસ શરૂ કરી છે. આમ પકડાયેલા ગાંજાનો છેડો છેક સુરત સુધી અડ્યો છે. અશ્ર્વિનીકુમાર સુરતનો હોવાથી આ અંગે સુરત પોલીસનો પણ સંપર્ક સાધવામાં આવ્યો છે. અશ્ર્વિનીકુમાર અંગે વધુ વિગત માંગવામાં આવી છે.