પેરિસ ઓલિમ્પિકમાં વિનેશ ફોગાટ માટે મુશ્કેલીઓ ઓછી દેખાઈ રહી નથી. વધેલા વજનના કારણે અયોગ્ય જાહેર થયા બાદ હવે સમાચાર આવી રહ્યા છે કે તેમને પોલી ક્લિનિકમાં દાખલ કરવામાં આવ્યા છે. ડીહાઈડ્રેશનના કારણે વિનેશને ક્લિનિકમાં લઈ જવામાં આવી છે. વિનેશને ક્લિનિકમાં દાખલ કર્યાના સમાચાર પછી, પીટી ઉષા અને ભારતીય અધિકારીઓની ટીમ તેને મળવા ત્યાં પહોંચી રહી છે.
મોટો સવાલ એ છે કે વિનેશ ફોગાટ ડિહાઈડ્રેટેડ કેવી રીતે થઈ? એવું માનવામાં આવે છે કે વિનેશના વજન ઘટાડવાના પ્રયાસોને કારણે આવું બન્યું છે. વાસ્તવમાં, એવા અહેવાલો હતા કે વિનેશ તેનું વજન ઘટાડવા માટે રાત્રે સૂતી ન હતી. અને, તેણે પીવાનું પાણી પણ ઘટાડી દીધું હતું.
આ પહેલા વિનેશ ફોગટને પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર કરવામાં આવી હતી. તેની ગેરલાયકાતનું કારણ તેનું વધેલું વજન હતું. વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાં મહિલાઓની ૫૦ કિગ્રા વર્ગમાં ભાગ લઈ રહી હતી. સ્પર્ધાના દિવસે તેણે આ વજન વર્ગમાં હોવું જરૂરી હતું. પરંતુ, વિનેશનું વજન વધારે હતું, જેના કારણે તેને બહાર કરી દેવામાં આવી હતી. હવે એવા અહેવાલો છે કે વિનેશ ફોગાટ વિરુદ્ધ કાર્યવાહી બાદ ભારત તરફથી સત્તાવાર વિરોધ થઈ શકે છે.
વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં પોતાની સફરની મજબૂત શરૂઆત કરી હતી. તેણીએ તેની પ્રથમ મેચમાં વિશ્ર્વ ચેમ્પિયન જાપાનની સુસાકીને હરાવી હતી. આ પછી, તેણે ક્વાર્ટર ફાઈનલ અને સેમીફાઈનલમાં જબરદસ્ત જીત નોંધાવી અને ફાઈનલમાં જગ્યા બનાવી. પરંતુ, જ્યારે એવું લાગતું હતું કે તે પેરિસ ઓલિમ્પિકમાં ભારતને પહેલો ગોલ્ડ મેડલ અપાવી શકશે, ત્યારે તેના ગેરલાયક ઠરવાના સમાચાર સામે આવ્યા.
વિનેશ ફોગાટ પેરિસ ઓલિમ્પિકમાંથી બહાર થઈ જતાં ભારતની મેડલની આશા પણ ઓછી થઈ ગઈ છે. વિનેશનું બહાર નીકળવું માત્ર તેના માટે જ નહીં પરંતુ ભારતીય ચાહકો માટે પણ ખૂબ જ દુ:ખદ સમાચાર છે.