અમદાવાદમાં રન ફોર વોટ,સાબરમતી રિવરફ્રન્ટ પર મેરેથોનમાં ૧૫ હજારથી વધુ લોકોએ મતદાન જાગૃત્તિ માટે દોડ લગાવી

અમદાવાદ,

ગુજરાત વિધાનસભાની ૨૦૨૨ની ચૂંટણીમાં મતદાન જાગૃતિ માટે આજે અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર રન ફોર વોટનું આયોજન અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર દ્વારા કરવામાં આવ્યું હતું. લોકો મતદાન કરે અને જાગૃત થાય તેના માટે યોજાયેલી આ દોડમાં ૧૫,૦૦૦ જેટલા લોકોએ ભાગ લીધો હતો. લોકો વધુમાં વધુ વોટ કરવા પ્રેરિત થાય તેના માટે આ રન પર વોટનું આયોજન કરવામાં આવ્યું હતું. સાબરમતી રિવરફ્રન્ટ પર વલ્લભસદનથી ઇક્ધમટેક્સ સુધી આ રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદ શહેર અને જિલ્લા સહિતના ગામડાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓ તેમજ લોકોએ ભાગ લીધો હતો.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન જાગૃતિ અભિયાનના ભાગરૂપે આજે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ શહેર અને જિલ્લાના અંદાજે ૧૫૦૦૦ જેટલા શિક્ષકો દ્વારા રન ફોર વોટ માટે મેગા મેરેથોન દોડ કરવામાં આવી હતી. માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાતમાં મતદાન જાગૃતિ આવે તેના માટે શિક્ષકોએ આ પ્રયાસ કર્યો હતો અને મોટી સંખ્યામાં તેઓ હાજર રહ્યા હતા.

પ્રથમ વખત મતદાન કરનાર યુવતી ખુશીએ જણાવ્યું હતું કે, મત આપવો એ ખૂબ જ જરૂરી છે અને હું સૌ પ્રથમવાર મતદાન કરવાની છું ત્યારે મને ઉત્સાહ છે લોકોને અપીલ છે કે મતદાન કરવું જોઈએ અને યુવાએ તો ખાસ પોતાના ભવિષ્ય માટે મતદાન કરવું જોઈએ. જ્યારે ભારતીબેન પટેલે જણાવ્યું હતું કે દરેક લોકોએ મત આપવો જોઈએ આવનારા પાંચ વર્ષ પોતાના ભવિષ્ય અને સારી સરકાર માટે મતદાન કરવું જોઈએ સરકાર દ્વારા આજે જાગૃતિ અભિયાન નું આયોજન કરવામાં આવ્યું છે તે ખૂબ જ સારું છે.

યુવા મતદાર ભારતી પ્રજાપતિએ જણાવ્યું હતું કે, આજે મતદાન જાગૃતિ માટે રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવા મતદાર તરીકે ભાગ લીધો હતો. દરેક યુવાનોએ મતદાન કરવું જ જોઈએ. દરેક લોકોએ મતદાન કરવું જ જોઈએ અને જો કોઈ પાર્ટીને તમે મત આપવા ન માંગતા હોય તો પણ નોટા દબાવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવો જ જોઈએ.

રન ફોર વોટમાં ભાગ લેવા આવેલા ૫૦ વર્ષે પૌરવી જોશીએ જણાવ્યું હતું કે, શિક્ષકો દ્વારા મતદાન જાગૃતિ માટે આજે રન પર વોટનું આયોજન કરવામાં આવ્યું હતું અને અમારો આ દોડનો એક જ ઉદ્દેશ્ય હતો, કે આજે હું ૫૦ વર્ષે પણ જો મતદાન માટે દોડમાં ભાગ લઈ શકું, તો તમે પણ મારી સાથે આ જાગૃતિ અભિયાનમાં ભાગ લો. તમામ લોકોને અપીલ કરી હતી કે મતદાન કરવું જોઈએ. દરેક વોટનું ખૂબ જ મહત્વ છે. તમારે જે પણ રાજકીય પાર્ટીને આપવો હોય તેને આપી શકો છો. કોઈ પાર્ટીને મત ન આપવો હોય તો નોટા દબાવી શકો છો, પરંતુ મતદાન મથક સુધી મત આપવા માટે જરૂર જવું જોઈએ.