૨૦૧૩થી ૨૦૨૨ના દાયકામાં ગુજરાત, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ત્રિપુરા દેશના ટોચના પાંચ હીટવેવ હોટસ્પોટ બન્યાં હતાં. આ રાજ્યોમાં ભીષણ ગરમી પડી હતી અને હીટવેવના દિવસોની સંખ્યા પણ વધી હતી, એમ એક વિશ્લેષણમાં જણાવાયું હતું. સ્વતંત્ર વિકાસ સંગઠન આઈપીઈ ગ્લોબલ અને ઓલ ઈન ઈન્ડિયા ટેક્નોલોજીસના મેનેજિંગ મોન્સૂન ઇન વોમગ ક્લાઇમેટ નામના અહેવાલમાં જણાવ્યું હતું કે દરિયાકાંઠાના પ્રદેશોના ૭૪ ટકા જિલ્લાઓ, મેદાની વિસ્તારના ૭૧ ટકા અને પહાડીઓ વિસ્તારના ૬૫ ટકા જિલ્લા ભયાનક હીવવેવનો ભોગ બન્યાં હતા.
૨૦૧૩-૨૨ના દાયકા દરમિયાન મેદાની અને પહાડી વિસ્તારોના જિલ્લાઓમાં હીટવેવના દિવસોમાં ૩૬ ટકાનો વધારો થયો હતો, જ્યારે દરિયાકાંઠાના જિલ્લાઓમાં ૩૦ ટકાનો વધારો નોંધાયો હતો. આ દાયકાના ટોચના પાંચ હીટવેવ હોટસ્પોટમાં ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને ત્રિપુરાનો સમાવેશ થાય છે. રીપોર્ટમાં જણાવ્યું હતું કે આ દાયકામાં અગાઉના બે દાયકાની તુલનામાં હીટવેવના કુલ દિવસોની સંખ્યા ઓછી રહી છે.
આ દાયકાની સૌથી વધુ આત્યંતિક હીટવેવ ઘટના ૨૦૧૫માં બની હતી, જે ૧૯૯૮ની ઘટના પછી બીજી સૌથી ભયંકર ઘટના હતી. વિશ્લેષણમાં જણાયું છે કે માર્ચ-એપ્રિલ-મે સમયગાળા અને ત્યાર પછીના જૂન-જુલાઈ-ઓગસ્ટ-સપ્ટેમ્બર દરમિયાન મેદાની વિસ્તારના જિલ્લાઓએ મહત્તમ સંખ્યામાં ગરમીના દિવસોનો અનુભવ કર્યો હતો. સરકારી ડેટા દર્શાવે છે કે ૨૦૧૩ પછીના ૧૦ વર્ષમાં ભારતમાં ભારે ગરમી અને સનસ્ટ્રોકના કારણે ૧૦,૬૩૫ લોકોના મોત થયા છે. આ સમયગાળામાં આંધ્રપ્રદેશમાં સૌથી વધુ ૨,૨૦૩ના લોકોના મોત થયા હતાં. આ પછી ઉત્તરપ્રદેશ (૧,૪૮૫), તેલંગાણા (૧,૧૭૨), પંજાબ (૧,૦૩૦), બિહાર (૯૩૮), મહારાષ્ટ્ર (૮૬૭), ઓડિશા (૬૦૯), ઝારખંડ (૫૧૭), હરિયાણા (૪૬૧), પશ્ચિમ બંગાળ (૩૫૭), રાજસ્થાન (૩૪૫), ગુજરાત (૨૬૩), અને મધ્યપ્રદેશ(૨૧૩)નો સમાવેશ થાય છે.