- 54 દુકાનદારોએ અંદાજીત 40 લાખ રૂપિયા એડવાન્સ ચૂકવી દીધા છતાં સવા લાખ લાભાર્થીઓને સીંગતેલ ન મળતા તહેવાર બગડવાની ભીતિ.
ગરીબ પરિવારોનો તહેવાર ન બગડે તે માટે પવિત્ર શ્રાવણ માસમાં સરકાર દ્વારા સીંગતેલની ફાળવણી કરવામાં આવી છે. પરંતુ બાલાસિનોરના 54 દુકાનદારોએ રૂ. 40 લાખ જેટલા ભરી દીધા હોવા છતાં સીંગતેલ તેઓના દુકાન કે ગોડાઉન સુધી પહોચ્યું નથી. આથી નગર તેમજ તાલુકાના 23 હજાર પરિવારોના સવા લાખ જેટલા લાભાર્થીઓને તહેવાર પૂર્વે જ સીંગતેલ મળ્યું નથી. જેથી તેઓના તહેવાર બગડે તેવી ભીતિ સેવાઈ રહી છે.
બાલાસિનોર તાલુકા તેમજ નગરમાં સસ્તા અનાજ લેનાર અંદાજીત 23 હજાર જેટલા પરિવારો કાર્ડ ધારક છે. આ પરિવારોના સવા લાખ જેટલા લાભાર્થી છે. સરકાર દર મહિને આવા લાભાર્થીઓને સસ્તું અનાજ વિતરણ કરે છે. જે માટે સરકાર દ્વારા અનાજ તેમજ તેલનો જથ્થો ગોડાઉન સુધી પહોંચાડવામાં આવે છે. પરંતુ પવિત્ર શ્રાવણ માસમાં હજુ સુધી તેલનો જથ્થો ગોડાઉન સુધી ન પહોંચતા ગરીબ પરિવારો નો તહેવાર બગડે તેવું લાગી રહ્યું છે. બાલાસિનોર ના 54 દુકાનદારોએ આ માસના અનાજ માટેના રૂ.40 લાખ જેટલા ભરી દીધા છે. પરંતુ તેલનો જથ્થો ન આવતા તહેવાર પર જ તેલથી વંચિત રહી ગયા હોવાનું બહાર આવ્યું છે.
એકાદ – બે દિવસમાં તેલનો જથ્થો આવી જશે એટલે વિતરણ કરી દેવામાં આવશે. હજુ ગોડાઉન સુધી મહીસાગર જીલ્લામાં કોઈ પણ જગ્યાએ તેલનો જથ્થો આવ્યો નથી. સપ્લ્યામાં છે એટલે એકાદ- બે દિવસમાં આવી જશે. મારી પાસે ત્રણ તાલુકાનો ચાર્જ છે. – મહિપાલસિંહ, ગોડાઉન મેનેજર, બાલાસિનોર
તહેવાર ટાણે જ મોકાણ : લાભાર્થી…
ગરીબ પરિવાર છે. અમારો અને સસ્તા અનાજ લાવીને અમારા ઘરનો ચૂલો ચાલે છે. તહેવાર છે અને મોંઘવારીએ માજા મૂકી છે. બજારમાં તેલ સહિતના ભાવ વધારે છે. તહેવાર ટાણે તેલ સહિતનો જથ્થો હજુ સુધી ન મળતા તહેવાર બગડે તેવું લાગી રહ્યું છે. – કૈલાશબેન, લાભાર્થી, બાલાસિનોર