- નડીયાદની વિધિ જાદવે શહીદ જવાનોના પરિવારને રૂ.પાંચ હજારની આર્થિક મદદ મોકલી આપી.
- વિધિ જાદવે અત્યાર સુધી 392 થી વધુ શહીદ પરિવારોની મુલાકાત લીધી છે: દેશની રક્ષા કરતા સૈનિકોના હિતોનું રક્ષણ કરવાની જવાબદારી આપણા સૌની છે.
- વિધિએ રક્ષાબંધન પર્વની ઉજવણી ગાંધીનગરમાં CRPF ના જવાનોને રાખડી બાંધી કરી.
દેશની રક્ષા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનારા બહાદૂર સૈનિકોના હિતોની રક્ષા કરવાની જવાબદારી પણ સહિયારી છે. કોઇને કોઇ રીતે દેશની રક્ષા કરવા કાજે ખપી જનારા ભડવીર જવાનોની પાછળ વિલાપ કરતા તેમના પરિવારને મદદરૂપ થવું, એ સૌની નૈતિક ફરજ છે અને તે ફરજને નડીયાદની એક યુવતી સારી રીતે નિભાવતી આવી છે. વિધિ જાદવે ફરી એક વખત તાજેતરમાં કઠુંઆ અને ડોડામાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા નવ જવાનોના પરિવારોને આશ્વાસનપત્ર અને રૂ.પાંચ – પાંચ હજારની આર્થિક મદદ પહોંચાડી છે.
નડીયાદની વિધિ જાદવે અત્યાર સુધીમાં સેંકડો સૈનિક પરિવારોની મુલાકાત લીધી છે. ખાસ કરીને દેશની સેવા કરતા કોઇ જવાન શહીદ થઈ જાય એ ઘટના વિધિના ધ્યાનમાં આવે કે તુરત જ તે આ દેશની સુરક્ષા માટે પોતાનો આધાર ગુમાવી બેઠેલા પરિવારને મળવા અને મદદરૂપ બનવાનું આયોજન કરે છે.
વિધિએ આજ સુધી કુલ 392 શહિદ સૈનિકના પરિવારોને મદદ કરી ચૂકી છે અને તે પૈકી 170 પરિવારોની રૂબરૂ મુલાકાત લીધી છે તેમજ જુદા જુદા રાજ્યોમાં 10 શહીદ સૈનિકોના સ્ટેચ્યુ અનાવરણ કાર્યક્રમમાં હાજરી આપી છે.
આમ તો વિધિનો પરિવાર કંઈ માલેતુજાર નથી. મધ્યમ કે કદાચ ઉચ્ચ મધ્યમ વર્ગમાં મૂકી શકાય એવો એનો પરિવાર છે.પરંતુ ઘણીવાર કોઈ દાતા ના મળે તો આ પરિવાર પોતે આર્થિક ભારણ વેઠીને વિધિની સૈનિક પરિવાર પ્રત્યે સહૃદયતાની આ પ્રવૃતિ ચાલુ રાખવામાં પીછેહઠ નથી કરતો.
પોતાના ક્ષેત્રમાં નામાંકિત અને સમર્પિત દિકરી વિધિ જાદવ સરહદ પર શહીદ થતા દેશના સપુતો પ્રતિ સંવેદના તથા ફૂલની પાંખડીરૂપ નાણાંકીય સેવા માટે વરસોથી સક્રિય છે. આટલું જ પૂરતું નહિ પણ લાંબાગાળાના લાગણીસભર સંબંધોથી વતન માટે શહીદ થનાર પરિવારોને મદદરૂપ બને છે.
વલ્લભવિદ્યાનગરની ઈલસાસ કોલેજમાં અનુસ્નાતકનો અભ્યાસ કરતી વિધિ જાદવ વેકેશનમાં હિલસ્ટેશન કે પ્રવાસધામ પર ન જતાં આવા દેશ માટે શહીદ થયેલા જવાનોના કુટુંબ વચ્ચે જઈ પોતાપણું બતાવીને તેમની સંવેદનાના દુ:ખને હળવું કરે છે.
શહીદ થયેલા જવાનોના પરિવારોને વિધિ આત્મીયતા અને સંવેદનાથી મળે છે અને પોતાપણું બતાવે છે. વિધિના આગમનને દરેક શહિદ પરિવારે હર્ષ, આનંદ અને ગર્વથી વધાવે છે. વિધિની વિદાય વેળાએ આ પરિવારોના ગર્વમાં છુપાયેલી વેદના પણ જોવા મળી છે.
વિધિ જાદવના માનવતા અને સંવેદનાસભર આ વિરાટકાર્યને સમાજે બિરદાવી શહીદ વીરોના પરિવારો માટેના રાષ્ટ્રભક્તિના આ યજ્ઞમાં આર્થિક આહુતિ આપી શહીદ સૈનિક પરિવારોને મદદરૂપ થઈ દેશનું ઋણ અદા કરવું જોઈએ.
નડિયાદની વિધિ જાદવ રાજસ્થાન, ઉત્તરાખંડ, હરિયાણા, પંજાબના શહિદ થયેલા આપણા દેશના સૈનિકોના પરિવારોની મુલાકાત લઈ ચૂકી છે.વિધિ જાદવે અત્યાર સુધી 154થી વધુ શહીદ પરિવારોની મુલાકાત લીધી છે.
વિધિ જાદવએ CRPF કેમ્પ ગાંધીનગર ખાતે રક્ષાબંધન પર્વની ઉજવણી CRPF ના જવાનોને રાખડી બાંધી કરી હતી. તેમજ “એક પેડ વીર જવાનો કે નામ” અંતર્ગત વૃક્ષારોપણ પણ કર્યું હતું.
દુનિયામાં પોતાના હોય તેના પ્રત્યે આદર, લાગણી અને સંવેદના તો સૌને હોય,પરંતુ જેમની સાથે કોઈ લેવાદેવા ન હોય તેમ છતાં તેમના હિત અને કલ્યાણ માટે પ્રયત્નશીલ હોય તેવા માનવો જ માનવ ગરિમાનું સાચું માધ્યમ બનતા હોય છે. સો સો સલામ છે,નડિયાદની આ દીકરીને…