દાહોદના સ્ટેશન રોડ ઉપર પશુઓના અડફેટમાં બે વ્યકિતઓને ઇજાઓ

દાહોદ શહેરમાં રખડતા પશુઓનો ત્રાસ ચરમસીમાએ પહોંચ્યો છે. જેમાં દાહોદ શહેરના સ્ટેશન રોડ ખાતેથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલા બે વ્યક્તિઓને બાખડતા પશુઓએ અડફેટમાં લેતાં મોટરસાઈકલ પર સવાર બંન્ને વ્યક્તિઓને શરીરે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચતાં તેઓને તાત્કાલિક નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં.

દાહોદ સ્માર્ટ સીટી જાહેર થયાને વર્ષો વિતી ગયાં પરંતુ શહેરમાં શહેરવાસીઓને મળવા પાત્ર સુવિધાઓ માત્ર કાગળ પર હોય તેમ લાગી રહ્યું છે, તેમાંય ખાસ કરીને દાહોદ શહેરમાં રખડતા પશુઓના ત્રાસથી શહેરવાસીઓ હેરાન પરેશાન થઈ ગયાં છે. થોડા દિવસો પહેલા દાહોદ શહેરના સ્ટેશન રોડ ખાતે રખડતા પશુઓઆની અડફેટે કેટલાંક વાહન ચાલકો તેમજ રાહદારીઓને અડફેટમાં લેતાં ઈજાગ્રસ્તોને દાહોદની ઝાયડસસ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતા. ત્યારે પુન: એકવાર રખડતા પશુઓએ દાહોદ શહેરના સ્ટેશન રોડ પર ગતરોજ એક મોટરસાઈકલ પર સવાર થઈ પસાર થઈ રહેલા બે વ્યક્તિઓને અડફેટમાં લેતાં બંન્ને વ્યક્તિઓને શરીરે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચતાં બંન્ને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. દાહોદ શહેરમાં દાહોદ નગરપાલિકા દ્વારા પશુઓ પકડવા માટે એજન્સી પણ નક્કી કરવામાં આવી હતી, પરંતુ આ એજન્સીની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠવા પામ્યાં છે.