
મોસ્કો,
રશિયાના પ્રમુખ પુતિને યૂક્રેન સાથે યુદ્ધ લડી રહેલા સૈનિકોની માતાઓની સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે હું તમારુ દર્દ સમજી શકું છું. પોતાના સંતાનોને ગુમાવવા તે દુનિયાનું સૌથી મોટુ દુ:ખ છે.
પુતિને કહ્યું હતું કે માત્ર હું જ નહીં સમગ્ર રશિયા અને રશિયન નેતાગીરી તમારી સાથે છે. રશિયામાં આ રવિવારે મધર્સ ડે ઉજવવામાં આવનારો હોવાથી પુતિને જે જવાનો શહીદ થયા અને જે લડી રહ્યા છે તેમની માતાઓની સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત એવા સમયે સામે આવી રહી છે જ્યારે અનેક સૈનિકો અને રશિયન નાગરિકોમાં આ યુદ્ધને લઇને પુતિન પ્રત્યે ગુસ્સો વધી રહ્યો છે.
પુતિને ૧૮ જવાનોની માતાઓની સાથે મુલાકાત કરી હતી. પુતિનના નિવાસ સ્થાન પર જવાનોની માતાઓની સાથે આ મુલાકાત યોજવામાં આવી હતી. જેમાં પુતિને વિશ્ર્વાસ આપ્યો હતો કે રશિયન જવાનોની માતાઓ અને પરિવારની સાથે સરકાર છે અને દરેક પ્રકારની મદદ પણ કરતી રહેશે.
લોકોમાં પુતિન પ્રત્યે રશિયામાં રોષ વધી રહ્યો છે જેને શાંત પાડવા માટે પુતિને આ પ્રયાસો કર્યા છે. પુતિને રશિયાના આમ નાગરિકોને પણ યુદ્ધમાં મોકલવાની તૈયારી કરી લીધી હતી જેનો પણ ભારે વિરોધ થયો હતો.