રાજસ્થાનમાં બાઈક પર જતાં એક જ પરિવારના ૫ને અજાણ્યા વાહને ફંગોળી નાખતાં કમકમાટીભર્યા મોત

દેશમાં છેલ્લા ઘણા સમયમાં અકસ્માતના બનાવો બની રહ્યા છે. તેમાં પણ હાઈવે પર અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે વધુ એક ભયાનક અકસ્માતની ઘટના ચિત્તોડગઢ-નિમ્બહેરા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર બની છે. જેમાં એક કન્ટેનરે બાઈક સવાર પરિવારને કચડી નાખ્યો હતો. આ અકસ્માતમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે એક માસૂબ બાળકી ઈજાગ્રસ્ત થઈ હતી.

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ અકસ્માતની ઘટના ભવલિયા ગામ નજીક રાત્રે બની હતી. આ ઘટનાની જાણ થતાં જ ચિત્તોડગઢ સદર પોલીસ સ્ટેશનના અધિકારી ટીમ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઘટનાસ્થળે એમ્બ્યુલન્સને પણ બોલાવવામાં આવી હતી. બાઇક પર સવાર તમામ લોકો એક જ પરિવારના હોવાનું કહેવાય છે.

પોલીસે હાલ અકસ્માતની વધુ તપાસ હાથ ધરી છે અને કન્ટેનર ચાલકની શોધખોળ માટે નાકાબંધી કરી છે. બાઇક પર એક દંપતી, બે યુવકો, એક છોકરી અને એક વર્ષનો માસૂમ બાળક સવાર હતા. આ તમામ લોકો નિંબાહેડા તરફ જઈ રહ્યા હતા ત્યારે બાવળીયા પોલીસ વિસ્તારમાં આ કરૂણ અકસ્માત સર્જાયો હતો. ઈજાગ્રસ્ત બાળકીને સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. તેમજ તમામ મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. મૃતકોની ઓળખ શંભુપુરાના રહેવાસી તરીકે થઈ છે.