કેન્દ્ર સરકારે, બાગ્લાદેશમાં આકાર પામેલ તખ્તાપલટાની ઘટનાથી ચિંતીત થઈને, સંસદ ભવનમાં સર્વપક્ષીય બેઠક બોલાવી હતી. આ બેઠકની અધ્યક્ષતા વિદેશ મંત્રી એસ જયશંકરે કરી હતી. આ બેઠક દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે ભારત બાંગ્લાદેશની પ્રવાહી પરિસ્થિતિ પર સતત અને બારીકાઈથી નજર રાખી રહ્યું છે.
તેમણે વધુમાં કહ્યું કે, લગભગ ૧૨ હજાર ભારતીયો હાલમાં પડોશી દેશ બાગ્લાદેશમાં ફસાયેલા છે. આ ઉપરાંત ગઈકાલ રાત્રીથી શેખ હસીના ભારતમાં તેમણે ભારતમાં જ રહેવું કે અન્ય કોઈ દેશમાં શરણ લેવુ તે અંગે કોઈ નિર્ણય લીધો નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગઈકાલ ૫ ઓગસ્ટે વિદેશ પ્રધાન સુબ્રમણ્યમ જયશંકરે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીને બાંગ્લાદેશમાં ઝડપથી બદલાતી પરિસ્થિતિ વિશે માહિતગાર કર્યા હતા. સાથોસાથ બાગ્લાદેશમાં ઊભી થયેલ પરિસ્થિતિને કારણે ભવિષ્યમાં કેવી સ્થિતિ સર્જાઈ શકે છે તેની પણ વિગતો આપી હોવાનું સામે આવ્યું છે. આ ઉપરાંત વિદેશ પ્રધાન એસ જયશંકરે, ગઈકાલે જ લોક્સભાના વિપક્ષના નેતા રાહુલ ગાંધીને પણ બાગ્લાદેશમાં સર્જાયેલ તખ્તાપલટા અને તેના કારણે ઊભી થનારી સ્થિતિની જાણકારી આપી હતી.
બાંગ્લાદેશમાં છેલ્લા ઘણા દિવસોથી નોકરીઓમાં રાખવામાં આવેલ આઝાદી માટે લડત લડનારાઓ માટે રાખવામાં આવેલ અનામત નાબૂદ કરવાની માંગને લઈને હિંસાની આગમાં સળગી રહ્યું હતું. ગઈકાલ સોમવાર ને ૫ ઓગસ્ટે વિદ્યાર્થીઓ સાથે હજારો લોકોએ મીરપુરથી ઢાકા તરફ કૂચ શરૂ કરી હતી. આ સમયગાળા દરમિયાન, કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ થોડી જ વારમાં વણસી ગઈ. પ્રદર્શનકારીઓએ રાજધાની ઢાકામાં વડાપ્રધાનના આવાસ પર કબજો જમાવ્યો હતો. જ્યારે ભીડ પીએમ આવાસમાં પ્રવેશી ત્યારે શેખ હસીના ત્યાં હાજર હતા. આ પછી તેમને ઉતાવળમાં એરલિટ કરવામાં આવ્યા હતા. જેઓ મોડી સાંજે ઉત્તરપ્રદેશમાં આવેલા હિંડન એરપોર્ટ પર ઉતર્યા હતા.
આજની આ બેઠકમાં વિદેશ પ્રધાન એસ જયશંકર, રક્ષાપ્રધાન રાજનાથસિંહ, કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ, લોક્સભા વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસના અગ્રણી એસ વેણુગોપાલ સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યાં હતા.