રાજકોટમાં કોન્સ્ટેબલ અને એડવોકેટ ૨૫ હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા

શહેરના યુનિવર્સિટી રોડ પોલીસ મથકના તાબા હેઠળની પંચાયત પોલીસ ચોકીમાં જામનગર એસીબીની ટીમે છટકુ ગોઠવી લાંચ લેતા કોન્સ્ટેબલ અને એડવોકેટને ઝડપી લીધા હતાં. નાણાકીય લેવડ દેવડ બાબતે થયેલ માથાકુટમાં કરાયેલી અરજીમાં તપાસના કામે હેરાન નહીં કરવા ૨૫ હજારની લાંચ માંગી હતી.જે અંગેની ફરિયાદ હેલ્પલાઈન મારફતે કરવામાં આવતા એસીબીએ સફળ છટકુ ગોઠવ્યું હતું.

રાજકોટના એક જાગૃત નાગરિકે કરેલી ફરિયાદને આધારે કાર્યવાહી કરવામાં આવી હતી. યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના તાબા હેઠળની પંચાયત ચોકમાં આવેલી પંચાયત પોલીસ ચોકીના કોન્સ્ટેબલ વિપુલ શાર્દુલભાઈ ઓળકિયા અને એડવોકેટ ભાવિનભાઈ મગનભાઈ રુઘાણીને જામનગર એસીબીની ટીમે ૨૫ હજારની લાંચ લેતા પોલીસ ચોકીમાં જ રંગેહાથ ઝડપી લીધા હતાં.

ફરિયાદી સામે રાજકોટ પોલીસમાં નાણાકીય લેતીદેતી બાબતે અરજી થઈ હોય જેની તપાસ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં આપ્યા બાદ આ અંગેની તપાસબાદ પંચાયત ચોકીને આપવામાં આવી હોય જેમાં ફરિયાદીને અરજીના કામે તપાસ માટે બોલાવવામાં આવ્યા હતાં અને નિવેદન લેવા માટે જ્યારે ફરિયાદીને બોલાવવામાં આવ્યા ત્યારે તેની સામે અરજીનાકામે કોઈ કાર્યવાહી નહીં કરવા અને અરજીના તપાસમાં હરા પરેશાન નહીં કરવા ૨૫ હજારની લાંચ માંગી હતી.

કોનસ્ટેબલે આ લાંચ એડવોકેટ વતી રકમ આપી જવાં જણાવ્યું હતું ત્યારે આ મામલે એસીબીમાં થયેલ ફરિયાદને આધારે એસીબીના મદદનીશી નિયામક કે.એચ. ગોહિલના સુપરવિઝન હેઠળ જામનગર એસીબીના પીઆઈ આર.એન.વીરાણી અને તેમની ટીમે ૨૫ હજારની લાંચ લેતા કોન્સ્ટેબલમાં વિપુલ ઓળકિયા અને ભાવિન રુઘાણીને ચોકીમાં જ ઝડપીલીધા હતાં. તેમજ આ એસીબીના છટકામાં લાંચ બાબતે ચોકીના પીએસઆઈની સંડોવણી છે કે કેમ તેબાબતે તપાસ શરૂ કરવામાં આવી છે.