દાહોદ,
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના બામરોલી ગામે પોલીસની નાકાબંધી દરમ્યાન એક બોલેરો ફોર વ્હીલર ગાડીના ચાલકે પોલીસને જોઈ ગાડી ભગાવતાં પોલીસે ફિલ્મી ઢબે બોલેરો ફોર વ્હીલર ગાડીનો પીછો કરતાં પોલીસને પીછો કરતાં જોઈ બોલેરો ગાડીનો ચાલક સ્થળ પર ગાડી મુકી નાસી જતાં પોલીસે ગાડીમાંથી પ્રોહીનો કુલ રૂા.3,57,072ના જથ્થા સાથે ગાડીની કિંમત મળી કુલ રૂા.7,57,072નો મુદ્દામાલ કબજે કર્યાંનું જાણવા મળે છે.
ગત તા.26મી નવેમ્બરના રોજ દેવગઢ બારીઆ તાલુકાની સાગટાળા પોલીસને મળેલ બાતમીના આધારે પોલીસે બામરોલી ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે બાતમીમાં દર્શાવેલ એક બોલેરો ફોર વ્હીલર ગાડી ત્યાંથી પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને ગાડી નજીક આવતાંની સાથે તેને ઉભી રાખવાનો પ્રયત્ન કરતાં ગાડીમાં સવાર કલસીંગભાઈ સુરસીંગભાઈ બારીઆ (કોળી) (રહે. માંડવ, તા.દેવગઢ બારીઆ, જિ.દાહોદ) અને તેની સાથેનો બોલેરો ગાડીનો ચાલકે ગાડી ઉભી ન રાખતાં પોલીસે ગાડીનો ફિલ્મી ઢબે પીછો કર્યો હતો. પોલીસને પીછો કરતાં જોઈ ગાડીમાં સવાર બંન્ને ઈસમો સ્થળ પર ગાડી મુકી નાસી જતાં પોલીસે બોલેરો ફોર વ્હીલર ગાડીમાંથી વિદેશી દારૂ તથા બીયરનો કુલ રૂા.3,57,072ના પ્રોહી જથ્થા સાથે બોલેરો ફોર વ્હીલર ગાડીની કિંમત મળી કુલ રૂા.7,57,072નો મુદ્દામાલ પોલીસે કબજે કરી ઉપરોક્ત બંન્ને ઈસમો વિરૂધ્ધ સાગટાળા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.