રાજસ્થાનમાં વરસાદને કારણે ૧૫ લોકોના મોત,જીવન બન્યું દુષ્વાર

છેલ્લા ૪૮ કલાકથી ચાલી રહેલા વરસાદી માહોલને કારણે રાજસ્થાનના અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. રાજસ્થાન પરના ડીપ ડિપ્રેશનને કારણે સોમવારે અજમેર, પાલી, રાજસમંદ, જાલોર, સિરોહી, નાગૌર, જોધપુર, જેસલમેર અને બાડમેર સહિત અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ થયો હતો. સૌથી વધુ વરસાદ પાલી અને ટોંકના નગરફાર્ટમાં નોંધાયો હતો.

પાલીમાં ૧૩ ઈંચ અને નગરફોર્ટમાં ૧૨.૬ ઈંચ વરસાદ નોંધાયો હતો. સાથે જ બૂંદીના હિંડોલીમાં સાડા આઠ ઇંચ, બૂંદી જિલ્લા મુખ્યાલયમાં ૭.૫ ઈંચ અને રાજધાની જયપુરમાં ૨૨ એમએમ વરસાદ નોંધાયો હતો. આ સિઝનમાં અત્યાર સુધીમાં રાજધાનીમાં ૩૮૧.૩૩ એમએમ વરસાદ નોંધાયો છે, જે સરેરાશ કરતા લગભગ ૨૦.૫ ટકા વધુ છે. ગત વર્ષે જૂનથી ૫ ઓગસ્ટ સુધીમાં જયપુરમાં ૩૬૫ એમએમ વરસાદ નોંધાયો હતો.

રાજ્યમાં વરસાદને કારણે થયેલા અકસ્માતમાં અત્યાર સુધીમાં ૧૫ લોકોએ જીવ ગુમાવ્યા છે. જોધપુરના બોરાનાડામાં ફેક્ટરીની દિવાલ ધરાશાયી થતાં ત્રણ મજૂરોના મોત થયા હતા, જ્યારે જેસલમેરમાં પણ એક ઘરની છત ધરાશાયી થતાં ત્રણ લોકોના મોત થયા હતા. ગંભીરી નદીમાં બે કિશોરો વહી ગયા હતા, જેમના મૃતદેહ હજુ સુધી મળ્યા નથી. જોધપુરના બાલેસરના ગોટાવર ડેમમાં ડૂબી જવાથી એક યુવકનું મોત થયું, જ્યારે પાલીના સોજત નજીક ધીનાવાસમાં મકાન ધરાશાયી થવાથી એક મહિલાનું મોત થયું હતું. એ જ રીતે સાદડી પાસે બાઇક સવાર બે યુવકો તણાયા હતા, જેમાં જોધપુરના રહેવાસી હનુમાન રામનું મોત થયું હતું. બ્યાવરના જાલિયા પ્રથમમાં પુલ પાર કરતી વખતે ૨૫ વર્ષીય અશોકનું તણાઈ જવાથી મૃત્યુ થયું હતું. બારાની નદીમાં તણાઈ જવાથી એક યુવકનું અને દિવાલ ધરાશાયી થવાથી એક મહિલાનું મોત થયું હતું. તેવી જ રીતે ભીલવાડાના મેનાલ ધોધમાં એક યુવક ધોવાઈ ગયો હતો.

જયપુરના હવામાન કેન્દ્રના ડાયરેક્ટર રાધેશ્યામ શર્માના જણાવ્યા અનુસાર, મયપ્રદેશમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન હવે નબળું પડી ગયું અને ડિપ્રેશનમાં પરિવતત થયું છે. જેના કારણે તે આગામી ૨૪ કલાકમાં ધીમે ધીમે પશ્ર્ચિમ રાજસ્થાન તરફ આગળ વધે અને વેલ માર્ક લો પ્રેશર નબળું પડે તેવી શક્યતા છે. હવામાન વિભાગના પ્રારંભિક અનુમાન મુજબ આગામી ૨૪ કલાકમાં અજમેર, જોધપુર અને બિકાનેર સહિત કેટલાક પશ્ર્ચિમી ભાગોમાં ભારે વરસાદની સંભાવના છે. હવે ૮ અને ૯ ઓગસ્ટે નવી સિસ્ટમ સર્જાઈ રહી છે. તે પૂર્વી રાજસ્થાનમાં સક્રિય રહેશે.

જેના કારણે ૯ ઓગસ્ટથી આગામી પાંચ દિવસ ભરતપુર, જયપુર અને શેખાવતી જિલ્લામાં ચોમાસુ સક્રિય રહેશે.જોધપુરના લોહાવટમાં મોડી રાત્રે રૂપાણા-જેતાણા પાસે રેલવે ટ્રેક નીચેથી માટી ધોવાઈ ગઈ હતી. જેના કારણે લોહાવટ-ફલોદી રેલ્વે માર્ગ લગભગ ૬ કલાક ખોરવાઇ ગયો હતો. આ દરમિયાન રૂણીચા એક્સપ્રેસ અને રાનીખેત એક્સપ્રેસ સહિતની ઘણી ટ્રેનો અધવચ્ચે જ અટવાઈ હતી. હાલ રેલવે વિભાગે માટી ભરેલી થેલીઓ મૂકીને ટ્રેકનું સમારકામ કર્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં લોહાવટમાં ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે.

શહેરના અનેક વિસ્તારોના ઘરો અને દુકાનોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. ન્યુ રોડ અને સંગીત કોલોની વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જોધપુર વિભાગના કેરળ-પાલી મારવાડ યાર્ડ વચ્ચે પાણી ભરાવાને કારણે સતત બીજા દિવસે રેલ ટ્રાફિક પ્રભાવિત રહેશે. ઉત્તર પશ્ર્ચિમ રેલવે પર ચાલતી કેટલીક ટ્રેન સેવાઓ રદ અથવા ડાયવર્ટ કરવામાં આવશે. અહીં જોધપુરની આસપાસના વિસ્તારોમાં પણ ઘણી જગ્યાએ પાણી ભરાવાને કારણે ટ્રેક નીચેથી માટી ધોવાઈ હતી.