
આગામી 09મી ઓગષ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ હોઈ આદિવાસી સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો. ત્યારે જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી, દાહોદ દ્વારા 09 ઓગષ્ટના રોજ જીલ્લાની તમામ સરકારી, ખાનગી શાળાઓમાં જાહેર રજા જાહેર કરવાના નિર્ણય સાથે પરિપત્ર જાહેર કરતાં આદિવાસી સમાજના વિદ્યાર્થીઓ તેમજ સમાજના લોકો, આગેવાનોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
દાહોદ જીલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જીલ્લો છે. ટ્રાયબલ વિસ્તાર તરીકે ઓળખાતા આ જીલ્લામાં પરંપરાગત આદિવાસી તહેરાવો ધાનધુમથી ઉજવવાની સાથે સાથે સમાજના રિતી રિવાજો નિભાવવા માટે પણ આદિવાસી સમાજના લોકો મોખરે હોય છે. ત્યારે 09 ઓગષ્ટના રોજ વિશ્વ આદિવાસી દિવસ જીલ્લાના આદિવાસી સમાજના લોકોએ આ તહેવાર ઉજવવા માટે તડામાર તૈયારીઓ પણ કરી દીધી છે.
વિશ્વઆદિવાસી દિવસની ઉજવણી કરવા માટે જીલ્લાના આદિવાસી સમાજમાં અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. આદિવાસી સમાજના આગેવાનો દ્વારા અવાર નવાર આ દિવસે જાહેર રજા જાહેર કરવા માટે સંબંધિત તંત્રને રજુઆત કરવામાં આવી હતી. ત્યારે તેમાંની રજુઆતોને ધ્યાનમાં લઈ જીલ્લા શિક્ષણાધિકારીની કચેરી, દાહોદ દ્વારા 09 ઓગષ્ટ વિશ્વ આદિવાસી દિવસે જીલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ માધ્યમિ અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં જાહેર રજા રાખવાના નિર્ણય સાથે પરિપત્ર જાહેર કરી જીલ્લાની તમામ શાળાઓમાં મોકલી આપવામાં આવ્યો છે.
આ પરિપત્રમાં જણાવ્યાં અનુસાર, 09 ઓગષ્ટને સંયુક્ત રાષ્ટ્ર સંઘ (યુએનઓ) દ્વારા વિશ્વ આદિવાસી દિવસ તરીકે જાહેર કરવામાં આવેલ છે. દાહોદ જીલ્લો એ આદિવાસી બાહુલ્ય ધરાવતો જીલલો છે અને વિશ્વ આદિવાસી દિવસને આદિવાસી સમાજ દ્વારા એક મુખ્ય તહેવાર તરીકે ઉજવવામાં આવે છે. જેથી જીલ્લાની સરકારી, ગ્રાન્ટેડ, નોન ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ વિશ્વ આદિવાસી દિવસ વિશે જાણે અને સમજે અને ગર્વ અનુભવી શકે અને માનભેર પોતાની આદિવાસી તરીકેની ઓળખ આપી શકે તથા આદિવાસી સમાજની આગવી ઓળખ, ભાતીગળ સંસ્કૃતિ, આદિવાસી બોલી ઉજાગર થાય અને તેની જાળવણી થાય તે હેતુસર જીલ્લાની તમામ શાળામાં તારીખ 05.08.2024થી તારીખ 08.08.2024 સુધી આદિવાસી અસ્મિતા અને સંસ્કૃતિને ઉજાગર કરતાં કાર્યક્રમો શાળા કક્ષાએ થાય તે સુનિશ્ચિત કરવા જણાવવામાં આવે છે.
આ ઉપરાંત વિશેષમાં શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં સંપુર્ણ રીતે સામેલ થઈ શકે તે માટે તારીખ 09.08.2024ના રોજની શાળાઓમાં સ્થાનીક રજા રાખવા માટે જીલ્લાની તમામ શાળાઓને જીલ્લા શિણાધિકારી દ્વારા જણાવાયું છે.