દાહોદમાં આખલાઓનો બાખડતા સાત દિવસમાં ચારને ઈજાઓ

દાહોદ શહેરમાં આખલાનો આતંક વધી રહ્યો છે. શહેર સોસાયટી વિસ્તારમાં આખલાની સંખ્યા વધી રહી છે. આખલા યુદ્ધના કારણે અનેક લોકો ધાયલ થઈ રહ્યા છે. અને સોસાયટી વિસ્તારમાં રહિશોના વાહનોમાં પણ નુકસાન પહોંચાડી રહ્યા છે. છેલ્લા દસ દિવસમાં બસ સ્ટેન્ડ અને રેલ્વે સ્ટેશન રોડ વિસ્તારમાં આખલાઓ દ્વારા ચાર લોકોને ઈજાઓ પહોંચી છે. જેમાં ગંભીર રૂપે ધાયલ એક વ્યકિતને તો સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યો હતો.

છેલ્લા કેટલાક સમયથી રસ્તે રખડતા આખલાઓ આક્રમક બનીને એકબીજા સાથે લડવાની ધટનાઓ સામાન્ય થઈ ગઈ છે. તેના કારણે શહેરના બસ સ્ટેન્ડ, ગોધરા રોડ સહિતના વિસ્તારોમાં આંતરે નાસભાગના દ્રશ્યો સાથે વાહનચાલકોમાં ભયની લાગણી ફેલાતી જોવા મળી રહી છે. ચાર દિવસ પહેલા રેલ્વે સ્ટેશન રોડ ઉપર આખલાઓ લડતા લડતા મુસાફરખાનામાં ધુસી જતાં ત્યાં ત્રણ લોકોને ધાયલ કર્યા હતા. ધાયલ લોકોને તાત્કાલિક અસરથી દવાખાને ખસેડ્યા હતા. જયારે અહિં વાહનોને નુકસાન થવા પામ્યુ હતુ. આ સાથે બસ સ્ટેન્ડ વિસ્તારમાં પણ લડી રહેલા આખલાઓએ એક મોપેડ ચાલકને અડફેટમાં લેતા તેને ગંભીર ઈજાઓ થવા પામી હતી. માથામાં ગંભીર ઈજાઓ પહોંચતા વધુ સારવાર માટે તે વ્યકિતને વડોદરા ખસેડવામાં આવ્યો હતો. જેથી આ બાબતે રસ્તે રખડતા આખલાઓ પકડવાની ઝુંબેશ શરૂ કરાય તે જરૂરી છે.