લુણાવાડાના અરીઠા ગામે ડાબા કાંઠાની કેનાલમાં પોપડા ઉખડ્યા

લુણાવાડા તાલુકાના અરીઠા ગામ પાસેથી પસાર થતી કડાણા ડાબા કાંઠા કેનાલમાં વરસાદી ઋતુમાં પહેલા જ વરસાદે પોપડા ઉખડી જવા પામતા કોન્ટ્રાકટર દ્વારા કરવામાં આવેલી કામગીરી પ્રત્યે અનેક શંકા કુશંકાઓ ઉભી થવા પામી છે. અને પોપડા ઉખડી જતાં કોન્ટ્રાકટરના ભ્રષ્ટાચારની પોલ ઉઘાડી જવા પામી છે.

કડાણા ડાબા કાંઠા કેનાલમાં બે મહિના પહેલા જ રિપેરીંગ કામગીરી જે તે એજન્સી દ્વારા કરવામાં આવી હતી. પરંતુ આ કડાણા ડાબા કાંઠા કેનાલમાં જે કામગીરી કરવામાં આવી છે તેમાં મોટાપાયે ગેરરિતી આચરી હોવાનુ જણાઈ રહ્યુ છે. અને પ્રથમ વરસાદના માહોલમાં આ કેનાલમાં પોપડા ઉખડી ગયા છે. અરીઠાથી આકલવા પસાર થતી અંદાજે ત્રણ કિ.મી.સુધીની આ કેનાલમાં ઠેર ઠેર પોપડા ઉખડી જવા પામ્યા છે.

કોન્ટ્રાકટર દ્વારા જયારે આ કેનાલની કામગીરી કરવામાં આવી રહી હતી ત્યારે ખેડુતોએ આ કેનાલની કામગીરી સારી રીતે કરવા માટે કોન્ટ્રાકટરને મોૈખિક રજુઆત પણ કરી હતી. તેમ છતાં પણ કોન્ટ્રાકટરે પોતાની મનમાની ચલાવીને હલકી ગુણવત્તાવાળી કામગીરી કરીને સંતોષ માણી લીધો હતો. જેના પરિણામે એક જ વરસાદની અંદર આ કડાણા ડાબા કાંઠા કેનાલમાં મસમોટા ગાબડા પડી જવા પામ્યા હતા. ત્યારે શુ આ કામગીરી બાબતે એન્જિનીયર દ્વારા સ્થળ તપાસ કરવામાં નહિ આવી હોય તેવા અનેક સવાલો ઉભા થવા પામ્યા છે. જયારે બીજી બાજુ એન્જિનીયર અને કોન્ટ્રાકટરની મિલીભગત હોવાનુ પણ ગામલોકોના મુખેથી ચર્ચાનુ સાંભળવા મળી રહ્યુ છે.

આ બાબતે ખેડુતો દ્વારા કડાણા ડાબા કાંઠા નાયબ કાર્યપાલક ઈજનેરની જાણ કરવા છતાં પણ જે તે સમયે તેઓ સ્થળ ઉપર આવ્યા ન હતા. જયારે બીજી બાજુ આ કેનાલમાં પડેલા ગાબડાઓનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચાલુ વરસાદમાં કેનાલમાં રિપેરીંગ કામ શરૂ કરીને ભ્રષ્ટાચારના પોપડા ઉપર ઠંડુ પાણી રેડી દેવાનુ શરૂ કર્યુ હતુ. ત્યારે ગામલોકો દ્વારા આવા કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરવાની પણ માંગ કરી હતી.