પશ્ચિમ બંગાળ પર એક પ્રસ્તાવ પર ભાજપ અને ટીએમસી એક થયા

પશ્ચિમ બંગાળ વિધાનસભામાં સોમવારે એક ચોંકાવનારું દ્રશ્ય જોવા મળ્યું હતું. વાસ્તવમાં, લગભગ પ્રથમ વખત અહીં શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ અને વિપક્ષી પાર્ટી ભાજપ વચ્ચે કોઈ મુદ્દે એક્તા જોવા મળી હતી. વાસ્તવમાં એવું થયું કે ટીએમસીએ બંગાળના ભાગલા વિરુદ્ધ વિધાનસભામાં ઠરાવ રજૂ કર્યો હતો. આ અંગે બંને પક્ષો ભેગા થયા હતા અને સર્વાનુમતે દરખાસ્ત પસાર કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે થોડા દિવસો પહેલા બંગાળ બીજેપી અધ્યક્ષ સુકાંત મજુમદારે કથિત રીતે બંગાળના વિભાજનની માંગ ઉઠાવીને હંગામો મચાવ્યો હતો. તૃણમૂલ કોંગ્રેસના ઘણા નેતાઓએ આ અંગે નારાજગી વ્યક્ત કરી હતી. ખુદ ભાજપના નેતાઓ પણ મજુમદારની આ માંગ પર એકમત નહોતા. સોમવારે વિધાનસભામાં પણ તેની અસર જોવા મળી હતી અને ટીએમસી-ભાજપ આ મુદ્દે એક્સાથે આવ્યા હતા.પ્રસ્તાવ પર બોલતા પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું, અમે સહકારી સંઘવાદમાં વિશ્ર્વાસ કરીએ છીએ. અમે રાજ્યના વિભાજનના પ્રયાસોની વિરુદ્ધ છીએ.

ભાજપે વિધાનસભામાં કહ્યું કે તે રાજ્યના વિભાજનના વિચારની વિરુદ્ધ છે. જોકે, તેણે સ્પષ્ટ કર્યું કે તે બંગાળના ઉત્તરીય ભાગોનો વિકાસ ઈચ્છે છે. શુભેન્દુ અધિકારીએ ગૃહમાં રજૂ કરેલા ઠરાવમાં એક લીટી ઉમેરવાની અપીલ કરી હતી – અમે સંયુક્ત પશ્ર્ચિમ બંગાળનો સંપૂર્ણ વિકાસ ઈચ્છીએ છીએ. અમે પશ્ર્ચિમ બંગાળને વિભાજીત કરવાના કોઈપણ પ્રયાસનો વિરોધ કરીએ છીએ. તેમના પ્રસ્તાવને સીએમ મમતા બેનર્જીએ સ્વીકારી લીધો હતો અને આ સાથે જ ગૃહમાં સર્વસંમતિથી પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો.અગાઉ, પશ્ર્ચિમ બંગાળ વિધાનસભાએ ગયા વર્ષે ફેબ્રુઆરીમાં રાજ્યના વિભાજનના પ્રયાસો સામે અવાજ મત દ્વારા સમાન ઠરાવ પસાર કર્યો હતો.