ગોધરાના એલ. આઇ. સી રોડ પર આવેલા ધનરાજ જ્વેલર્સમાં નોકરી કરતી સેલ્સગર્લે બોયફ્રેન્ડ સાથે મળીને શોરૂમમાંથી સવા કરોડના દાગીનાની અલગ અલગ સમયે ચોરી કરી હતી. આ મામલે શોરૂમના માલિકને શંકા જતાં યુવતીએ ચોરીની કબૂલાત કરી હતી. બાદમાં પોલીસે આ સેલ્સગર્લની ધરપકડ કરી હતી.
મળતી માહિતી અનુસાર, ગોધરા શહેરમાં એલ. આઇ. સી રોડ પર ધનરાજ જ્વેલર્સમાં અનુષ્કા સેલ્સગર્લ તરીકે નોકરી કરી કરતી હતી. શોરૂમના માલિક હિમાંશુ અડવાણી રોજના સોના-ચાંદીના ઘરેણાંના વેચાણનો દૈનિક હિસાબ રાખતા હતા. ત્રીજી ઑગસ્ટે તેઓ દાગીનાની ગણતરી કરતાં હતા, ત્યારે કુલ દાગીનામાંથી ૨૬.૬૦ લાખની કિંમતની સોનાની ૧૬ ચેન અને ૬૬.૫૦ લાખ રૂપિયાની સોનાની ૪૯ બંગડીઓ જોવા મળી ન હતી.
ધનરાજ જ્વેલર્સ શોરૂમના માલિક હિમાંશુ અડવાણીએ તમામ સ્ટાફને બોલાવીને આ મામલે પૂછપરછ કરી હતી. જેમાં સેલ્સગર્લ અનુષ્કાએ છેલ્લા ૨૦ દિવસ દરમિયાન રાત્રે દુકાન બંધ કરવાના સમયે સ્ટોક મેન્ટેન વખતે ચોરીછૂપીથી આ દાગીનાની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આ ઉપરાંત તેણે આ તમામ દાગીના ધાનકાવાડ વિસ્તારમાં રહેતાં તેના બોયફ્રેન્ડ નિમેષ ઠાકવાણીને આપ્યા હોવાની કબૂલાત કરી હતી.
હિમાંશુ અડવાણીએ શોરૂમમાંથી ૧,૨૬,૧૦,૦૦૦ રૂપિયાના સોનાના દાગીના ચોરી થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અનુષ્કાની અટકાયત કરી પૂછપરછ હાથ ધરી છે, જ્યારે તેનો બોયફ્રેન્ડ ફરાર થઈ જતાં તેની શોધખોળ હાથ ધરી છે.