પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમા પર છે અને ઈઝરાયેલ અને ઈરાન સંઘર્ષની અણી પર છે. આવા સમયે રવિવારે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ દુશ્મન દેશોને ધમકી આપતા કહ્યું કે જે કોઈ આપણને નુક્સાન પહોંચાડવાની કોશિશ કરશે તેની ભારે કિંમત ચૂકવવી પડશે. નેતન્યાહુએ ગાઝામાં હમાસના આતંકવાદીઓ સામે સૈન્ય કાર્યવાહી વધારવાની પણ હાકલ કરી હતી.
ઇઝરાયેલના વડા પ્રધાને એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે ’યુદ્ધના તમામ ઉદ્દેશ્યો હમાસ પર લશ્કરી દબાણ વધારીને જ હાંસલ કરવામાં આવશે, જે જીવિત અને મૃતકો સહિત આપણા તમામ બંધકોને પરત કરી શકશે.’ રિવિઝનિસ્ટ ઝિઓનિઝમના નેતા અને સ્થાપક ઝીવ જબોટિન્સકીની મૃત્યુની વર્ષગાંઠ પર આયોજિત એક કાર્યક્રમ દરમિયાન જણાવ્યું હતું. સુધારાવાદીઓ પાછળથી લિકુડ પાર્ટી બની, જેના નેતા બેન્જામિન નેતન્યાહુ છે. નેતન્યાહુએ કહ્યું, ’ઈરાન અને તેના અનુયાયીઓ અમને આતંકવાદના ચુંગાલમાં ફસાવવા માંગે છે, પરંતુ અમે દરેક મોરચે અને દરેક ક્ષેત્રમાં તેમની સામે ઊભા રહેવા માટે મક્કમ છીએ. જે કોઈ આપણને નુક્સાન પહોંચાડવા માંગે છે તેને ખૂબ જ ભારે કિંમત ચૂકવવી પડશે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ ઈરાનમાં હમાસના ટોચના નેતા ઈસ્માઈલ હાનિયાની હત્યા કરવામાં આવી હતી. તેના થોડા કલાકો પહેલા જ બેરૂતમાં હિઝબુલ્લાહના ટોચના કમાન્ડરની હત્યા કરવામાં આવી હતી. ઇઝરાયેલ પર બંને હત્યાનો આરોપ હતો. તેહરાનમાં હાનિયાની હત્યાથી નારાજ ઈરાને ઈઝરાયેલ પર હુમલો કરવાની ધમકી આપી છે. બીજી તરફ હિઝબુલ્લાહ પણ ઈઝરાયેલ પર સતત હુમલા કરી રહ્યું છે. આવી સ્થિતિમાં, એવી આશંકા છે કે ઈરાન અને હિઝબુલ્લાહ દ્વારા ઈઝરાયેલ પર ટૂંક સમયમાં હુમલો થઈ શકે છે.
પરિસ્થિતિને જોતા અમેરિકાના રક્ષા વિભાગ પેન્ટાગોને ઈઝરાયેલની સુરક્ષા માટે પોતાના યુદ્ધ જહાજ યુએસએસ અબ્રાહમ લિંકનને પશ્ચિમ એશિયા મોકલ્યા છે. આ યુદ્ધજહાજની સાથે જ ફાઈટર પ્લેનનું એક સ્ટ્રાઈક ગ્રુપ પણ પશ્ર્ચિમ એશિયામાં મોકલવામાં આવ્યું છે. વધુમાં, યુએસ ડિફેન્સ સેક્રેટરી લોયડ ઓસ્ટીને યુરોપિયન કમાન્ડ હેઠળ પશ્ચિમ એશિયામાં બેલેસ્ટિક મિસાઇલોથી સજ્જ ક્રુઝર અને વિનાશક મોકલવાનો આદેશ આપ્યો છે.