સરકારના વકફ બોર્ડમાં સંશોધન મામલે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડનો ઉગ્ર વિરોધ

વકફ બોર્ડને સંચાલિત કરતા ૧૯૯૫ના કાયદામાં સુધારો કરવા માટે સરકાર સંસદમાં બિલ રજૂ કરવાની તૈયારી કરી રહી છે, ત્યારે ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે કહ્યું હતું કે વક્ફ બોર્ડની કાનૂની સ્થિતિ અને સત્તાઓમાં કોઈપણ દખલ સહન કરવામાં આવશે નહીં.

એઆઇએમપીએલબીએ નેશનલ ડેમોક્રેટિક એલાયન્સના સાથી પક્ષો અને વિપક્ષી પાર્ટીઓને પણ આવા કોઈપણ પગલાને સંપૂર્ણપણે નકારવા અને આવા સુધારાને સંસદમાં પસાર થવા દેવાની વિનંતી કરી.એઆઇએમપીએલબીના પ્રવક્તા એસકયુઆર ઇલ્યાસે એક નિવેદનમાં જણાવ્યું હતું કે બોર્ડ આ પગલાને નિષ્ફળ બનાવવા માટે તમામ કાયદાકીય અને લોક્તાંત્રિક ઉપાયો અપનાવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, સરકાર વકફ બોર્ડને સંચાલિત કરતા ૧૯૯૫ના કાયદામાં સુધારો કરવા માટે સંસદમાં એક બિલ લાવવા જઈ રહી છે જેથી તેમની કામગીરીમાં વધુ જવાબદારી અને પારદશતા અને આ સંસ્થાઓમાં મહિલાઓની ફરજિયાત ભાગીદારી સુનિશ્ચિત થાય.

બીજી તરફ ઓવૈસીએ પોતાનો વિરોધ પણ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે, ભાજપ શરૂઆતથી જ વકફ બોર્ડ અને વકફ પ્રોપર્ટીની વિરુદ્ધ છે અને તેણે તેના હિંદુત્વના એજન્ડાના ભાગરૂપે વકફ પ્રોપર્ટી અને વક્ફ બોર્ડને નાબૂદ કરવાના પ્રયાસો શરૂ કર્યા છે. તેમણે કહ્યું, આ પોતે જ ધામક સ્વતંત્રતાની વિરુદ્ધ છે.

ઓવૈસીએ આરોપ લગાવ્યો હતો કે જો ભાજપ સરકાર દ્વારા સર્વે કરવામાં આવશે તો તેનું પરિણામ એ આવશે કે મિલક્ત વકફ પ્રોપર્ટી નહીં રહે. ઓવૈસીએ કહ્યું કે દેશમાં ઘણી દરગાહ અને મસ્જિદો છે, જેના પર ભાજપ-આરએસએસ દાવો કરે છે કે તે દરગાહ અને મસ્જિદો નથી. તેમણે કહ્યું કે એકંદરે જો મીડિયાના અહેવાલો સાચા હોય તો મોદીની આગેવાની હેઠળની સરકાર મુસ્લિમો પાસેથી વકફ બોર્ડની મિલક્તો છીનવી લેવા માંગે છે.

દરમિયાન, ભૂતપૂર્વ લઘુમતી બાબતોના પ્રધાન અને ભાજપના વરિષ્ઠ નેતા મુખ્તાર અબ્બાસ નકવીએ રવિવારે ‘એકસ’ પર કહ્યું, “વક્ફની કાર્યશૈલીએ ‘ટચ મી નોટ’ (અસ્પૃશ્ય) ના વળગાડ-રાજકારણમાંથી બહાર આવવું પડશે. ભારપૂર્વક જણાવ્યું હતું કે, ” સર્વસમાવેશક સુધારા પર સાંપ્રદાયિક હુમલો યોગ્ય નથી.