કડાણાના ઉત્તર ભાગમાં સિંચાઈની સુવિધાના અભાવે 3 હજાર હેકટર જમીન સુકી

કડાણા ડેમમાંથી નીકળતા પાણીથી મહિસાગર સહિત ખેડા જિલ્લાના 5 તાલુકાના 125 ગામોની 8100 હેકટર જમીનને સિંચાઈની સુવિધા પુરી પાડવામાં 581 કરોડનો ખર્ચ કર્યો હતો. જયારે કડાણા ડેમ ઉત્તર ભાગમાં આવેલ 3000 હેકટર જમીન ડેમ બન્યાના 50 વર્ષથી પાણી વગર સુકાઈ રહી છે.

કડાણા તાલુકાના ઉત્તર ભાગમાં આવેલા 50 જેટલા ગામડાઓની 3000 હેકટર જમીન સિંચાઈનુ પાણી ન મળતા ખેડવામાં આવતી નથી. આટલો વિશાળ ડેમ હોવા છતાં ડેમથી માત્ર 5 થી 10 કિ.મી.દુર આવેલા જાંબુનાળા રેલવા પછેર ગોધરા સહિત 50 જેટલા ગામલોકોએ સિંચાઈ સુવિધા માટે અનેક રજુઆતો કરી છતાંય સરકાર અને તંત્ર આ વિસ્તારને સિંચાઈનો લાભ આપવામાં નિષ્ફળ ગઈ છે. જેના કારણે લોકો ઉનાળામાં ખેતીના પાણી માટે રઝળપાટ કરી રહ્યા છે.

હાલ રાજયના મુખ્યમંત્રી કડાણા ડેમનુ પાણી કરોડોના ખર્ચે મહિ અને ખેડા પહોંચાડવાની યોજનાની સમીક્ષા કરવા મહિસાગરની મુલાકાતે આવ્યા હતા. ત્યારે લાગે છે કે, ગાંધીનગરથી ખેડા-આણંદ-મહેસાણા જેવા જિલ્લા નજીક હોવાથી ત્યાંના લોકોની વધુ િંચંતા કરતા મુખ્યમંત્રી જે ડેમમાંથી પાણી લઈ જવાની યોજનાઓની સ્થિતિ નિહાળી ગયા તે મહી નદી કાંઠા નજીક વસતા લોકોની વેદના તેમના સુધી પહોંચતી નથી.

આ ડેમના પાણીથી મહેસાણા, બનાસકાંઠા, ખેડા , આણંદ સહિત 9 જિલ્લાને પીવાના પાણી તેમજ સિંચાઈની સુવિધાઓ પુરી પાડવામાં સાથે 6 જેટલી પીવાના પાણીની યોજનાઓ સાર્થક કરવામાં ડેમમાંથી સપાટી તળિયે પહોંચી ગઈ છે.ત્યારે ડેમથી માત્ર 10 કિ.મી.દુર ઉત્તર ભાગમાં વસતા લોકોએ ડેમના નિર્માણ બાદ આ ભાગમાં ખેતી માટે પાણી મળશે તેવી આશાએ પોતાની મહામુલ્ય જમીન ડેમના બાંધકામ સમયે ભોગમાં આપી હતી.

પરંતુ આટલા વર્ષો પછી પણ સિંચાઈની સુવિધા આ વિસ્તારને બાકાત રાખવામાં આવી રહ્યો છે. જયારે ડેમમાંથી ઉત્તર ભાગ છોડીને ત્રણેય દિશાઓમાં મહીનુ પાણી પહોંચાડવાની હોડમાં દર વર્ષે ડેમ ચોમાસા પહેલા તળિયા ઝાટક થઈ રહ્યો છે.