દાહોદ જીલ્લાના લીમખેડાના મોટામાળ ગામના ડામોર ફળિયામાં એક વ્યક્તિના રહેણાંક મકાનમાં પત્તા પાનાથી રૂપિયા પર રમાતા હારજીતના જુગાર પર દાહોદ એલસીબી પોલીસે ઓચિંતો છાપો મારી અંગઝડતી તેમજ દાવ ઉપરના મળી રૂપિયા 55 હજાર ઉપરાંતની રોકડ તથા છ જેટલા મોબાઈલ ફોન તેમજ પત્તાંની કેટ મળી 85,530/-ના મુદ્દામાલ સાથે છ જેટલા શકુનિયોની ધરપકડ કરી જેલના સળિયા પાછળ મોકલી આપ્યાનું પોલીસ સૂત્રો દ્વારા સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.
પવિત્ર શ્રાવણ માસનો આજથી શુભ આરંભ થતાં જ શ્રાવણીયા જુગારનો પણ જીલ્લામાં આજથી આરંભ થઈ ગયો હોય તેમ લાગી રહ્યું છે. ગતરોજ દિવાસાના દિવસે જ લીમખેડા તાલુકામાં શ્રાવણીયા જુગારનો આરંભ થઈ ચૂક્યો છે. તેની પ્રતીતિ કરાવતા શ્રાવણીયા જુગારના આ બનાવમાં લીમખેડાના મોટીમાળ ગામે ડામોર ફળિયામાં રહેતા સુક્રમભાઈ બચુભાઈ ડામોરના રહેણાંક મકાનમાં બહારથી લોકોને બોલાવી મોટાપાયે પત્તાપાના વડે રૂપિયા પર હારજીતનો જુગાર રમાડાતો હોવાની ગુપ્ત બાતમી દાહોદ એલસીબી પી.એસ.આઇ. ડી.આર.બારૈયાને મળી હતી.
જે બાતમીને આધારે પી.એસ.આઇ. ડી. આર.બારૈયા પોતાના સ્ટાફના પોલીસ કર્મીઓની ટીમને સાથે લઈ ગતરોજ સાંજના સાડા છ વાગ્યાના સુમારે મોટામાળ ગામે ડામોર ફળિયામાં બાતમીમાં દર્શાવેલ સુક્રમભાઈ બચુભાઈ ડામોરના રહેણાંક મકાનની ચારે બાજુ ગુપ્ત વોચ ગોઠવી દીધી હતી અને ત્યારબાદ મોકો જોઈ મકાનમાં ઓચિંતો છાપો મારી મકાનમાં જુગાર રમી રહેલા શકુનિયોને નાસવાની કોઈપણ જાતની તક આપ્યા વિના ચારે બાજુથી ઘેરી લઈ લીમખેડા માર્કેટ રોડ પર રહેતા ગોપાલભાઈ શંકરભાઈ પંચાલ, લીમખેડાના કુંભારવાડા જેતપુર ગામના આમલી ફળિયામાં રહેતા પરસોત્તમભાઈ ઉર્ફે પોપટ ધનાભાઈ ભરવાડ, ઝાલોદ તાલુકાના લીમડી ગામના આમલી ફળિયામાં રહેતા બાદલભાઈ કનુભાઈ માળી (બુમાણા), કનુભાઈ ગબાભાઈ માળી (બુમાણા), મધ્યપ્રદેશના રતલામ જીલ્લાના જાવરા તાલુકાના ઈકબાલગંજ નગરમાં રહેતા અશરફભાઈ સબીરભાઈ મેવ તથા લીમખેડાના મોટા માળ ગામના ડામોર ફળિયામાં રહેતા ઘરધણી સુક્રમભાઈ બચુભાઈ ડામોરને ઝડપી પાડ્યા હતા.
અને પકડાયેલા તમામની અંગઝડતી લઈ તેઓની પાસેથી રૂપિયા 52,530/-ની કુલ કિંમતની જુદા જુદા દરની ચલણી નોટોની રોકડ તથા દાવ પરથી રૂપિયા 3000/-ની રોકડ મળી રૂપિયા 55,530/-ની કુલ રોકડ તથા રૂપિયા 30,000/-ની કુલ કિંમતના મોબાઈલ ફોન નંગ-છ તથા સ્થળ પરથી પત્તાની કેટ નંગ -2 મળી રૂપિયા 85,530/-નો મુદ્દામાલ પકડી પાડી કબજે લઈ પકડાયેલા ઉપરોક્ત તમામ શકુનિયો વિરૂદ્ધ લીમખેડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા લીમખેડા પોલીસે આ સંદર્ભે જુગારનો ગુનો નોંધી તેઓને જેલના સળિયા પાછળ મોકલી આપ્યા છે.