ફતેપુરાના સુખસર ગામે પત્નિએ મકાન-દુકાન વેચવાની ના પાડતાં પતિએ ચપ્પુના ધા મારી ગંભીર ઈજાઓ પહોંચાડી

દાહોદ જીલ્લાના ફતેપુરા તાલુકાના સુખસર ગામે ચકચારી બનાવ સામે આવ્યો છે. જેમાં પત્નિએ મકાન અને દુકાન વેચવાની ના પાડતાં પતિએ એકદમ ઉશ્કેરાઈ જઈ પત્નિને ચપ્પુના ઘા મારી ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચાડતાં ગંભીર ઈજાગ્રસ્ત પત્નિને સારવાર માટે નજીકના દવાખાને લઈ જવામાં આવ્યાં હતા. ત્યારે આ સંબંધે પુત્રએ પોતાના પિતા વિરૂધ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાંવતાં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યાનું જાણવા મળે છે.

ગત તા.4 જુલાઈના રોજ ફતેપુરાના સુખસર નગરમાં માર્કેટ યાર્ડ વિસ્તારમાં રહેતાં સંગીતાબેન દલસીંગભાઈ વસૈયાએ પોતાના પતિ દલસીંગભાઈ છગનભાઈ વસૈયા સાથે મિલક્ત વેચવા સંબંધે ઝઘડો તકરાર થયો હતો. જેમાં પતિ દલસીંગભાઈ દ્વારા સુખસર નગરમાં માર્કેટયાર્ડમાં ભાડાના કરારના મકાનમાં રહી વેપાર ધંધો કરતાં હતા તે મકાન તથા કટલરીની દુકાન દલસીંગબાઈ વેચી દેવાનું કહેતાં દલસીંગભાઈની પત્નિ સંગીતાબેનેએ મકાન તથા દુકાન વેચવા ના પાડતાં દલસીંગભાઈ એકદમ ઉશ્કેરાઈ જઈ મકાન તથા દુકાન વેચવા દેતી નથી અને વાતમાં આડાસ કરે છે.

તેમ કહી પોતાના હાથમાનું ચપ્પુ સંગીતાબેનના દાઢીના ભાગે તથા ગળાના ભાગે ચપ્પુના ઘા મારી લોહીલુહાણ કરી નાંખ્યાં હતાં. ઘટનાને પગલે બુમાબુમ થઈ જતાં પરિવાજનો ઘટના સ્થળે દોડી આવ્યાં હતાં અને ગંભીર ઈજાગ્રસ્ત સંગીતાબેનને તાત્કાલિક ધોરણે નજીકના દવાખાને સારવાર માટે લઈ ગયાં હતાં. સંગીતાબેન હાલ દવાખાનામાં સારવાર લઈ રહ્યાં છે ત્યારે બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈ સંગીતાબેનના પુત્ર 20 વર્ષિય કાર્તિકભાઈ દલસીંગભાઈ વસૈયાએ પોતાના પિતા દલસીંગભાઈ છગનભાઈ વસૈયા વિરૂધ્ધ સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દલસીંગભાઈના ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.