શહેરા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે કાદવ કીચડ ના કારણે અહીં આવતા ખેડૂતો અને પશુપાલકોને પણ અવરજવરમાં ભારે તકલીફ પડી રહી છે. જ્યારે માર્કેટિંગ યાર્ડ ખાતે પશુના તબેલા આવેલા હોય ત્યારે આ કાદવ કિચડ દૂર નહી કરવામાં આવે તો અહીં રોગચાળો ફેલાય તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી.
શહેરા માર્કેટિંગ યાર્ડમાં કાદવ-કિચડ જોવા મળવા સાથે અહીં આવતા લોકોને અવરજવરમાં તકલીફ પડતી હોય એવા દ્રશ્યો અહીં જોવા મળી રહ્યા હતા. માર્કેટિંગ યાર્ડ ખાતે પશુના તબેલા આવેલા હોવાથી પશુ ખરીદવા માટે તાલુકા તેમજ અન્ય જીલ્લામાંથી પણ આવતા લોકોને કાદવ કીચડ માંથી નીકળવું પડી રહયુ છે.
અહીં કાદવ-કિચડ સાથે ગંદા પાણીના ખાબોચિયા ભરેલા હોવાથી મચ્છરોનો ઉપદ્રવ પણ વધી રહ્યો હોય ત્યારે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવામાં નહીં આવે તો ગંદકીના કારણે રોગચાળો ફેલાવવાની ભીતિ પ્રવર્તી રહી છે. ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં પશુના તબેલાઓની આવક પણ સારી થતી હોય તેમ છતાં અહીં સુવિધાઓ જે કરવી જોઈએ તે કરવામાં આવી રહી નહી હોવાની અનેક ચર્ચાઓ જાગૃત ખેડૂતો અને પશુપાલકોમાં થઈ રહી હતી.
જ્યારે માર્કેટિંગ યાર્ડ ખાતે લોકોની અવરજવર વધુ રહેતી હોય ત્યારે હાલની પરિસ્થિતિને જોતા સાફ-સફાઈ બાબતે ધ્યાન રાખવામાં આવા સાથે દવાનો છંટકાવ ક્યારે કરવામાં આવશે, એતો આવનારા દિવસોમાં ખબર પડી જશે કેમ છે. હાલ ચોમાસાની ઋતુ શરૂ હોય ત્યારે વરસાદની પણ અવરજવર રહેતી હોય ત્યારે આ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની અંદર સરકારી સસ્તા અનાજની દુકાન તેમજ અનેક વેપારીઓના ગોડાઉન અને પશુના તબેલા આવેલા હોય ત્યારે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા આ બાબતને ધ્યાનમાં લઈને ગંદકી અને કાદવ-કીચડ દૂર કરે તેવી આશા અહીં આવતા લોકો રાખી રહયા હતા.