સીંગવડ તાલુકામાં ખાનગી વાહનોમાં જીવના જોખમે વિદ્યાર્થીઓ મુસાફરી કરવા માટે મજબુર

દાહોદ જીલ્લાના સીંગવડ તાલુકામાં જીવના જોખમે વિદ્યાર્થીઓ ખાનગી વાહનમાં બેસી મુસાફરી કરી ઘરેથી શાળાએ અને શાળાએથી ઘરે જવા મજબુર બની રહ્યાં છે. આવા ખાનગી વાહનોમાં વિદ્યાર્થીઓને ઠસોઠસ ભરી ખાનગી વાહન ચાલકો વિદ્યાર્થીઓને લઈ પસાર થઈ રહ્યાં છે. ત્યારે સંબંધિત તંત્ર દ્વારા આવા વાહન ચાલકો સામે કાર્યવાહી કરે તેમજ તેની સાથે સાથે સંબંધિત તંત્ર દ્વારા આવા વિદ્યાર્થીઓને બસ સહિતની સુવિધા મળી રહે તે માટેની કામગીરી કરવામાં આવે તે અત્યંત આવશ્યક છે.

દાહોદ જીલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જીલ્લો છે, તેમાંય ખાસ કરીને દાહોદ જીલ્લા ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓ શાળાએ ભણવા જવા માટે ખાનગી વાહનોનો સહારો લે છે. આવા સમયે સીંગવડ તાલુકામાં ખાનગી વાહનોના ચાલકો પોતાના વાહનોમાં વિદ્યાર્થીઓને ઠસોઠસ ઘેટા બકરાની માફક ભરી વિદ્યાર્થીઓને જીવને જોખમમાં મુકી વાહનો હંકારતાં હોય છે. ત્યારે આવા સમયે દાહોદ એસટી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લઈ ગ્રામીણ વિસ્તારોમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ ઘરેથી શાળાએ તેમજ શાળાએથી ઘરે આવી જઈ શકે તે માટે એક્સ્ટ્રા બસો દોડાવવામાં આવે તે અત્યંત આવશ્યક છે. તેની સાથે સાથે દાહોદના સંબંધિત તંત્ર દ્વારા આવા ખાનગી વાહન ચાલકો સામે કાર્યવાહી કરે તે પણ આવશ્યક છે. ભવિષ્યમાં જીવના જોખમે ખાનગી વાહનોમાં વિદ્યાર્થીઓને ઠસોઠસ ભરી વાહનો હંકારવામાં આવશે તો કોઈ મોટી દુર્ઘટના સર્જાય તે પહેલા સંબંધિત તંત્ર વિદ્યાર્થીઓના હિતમાં કામગીરી કરે તે અત્યંત આવશ્યક છે.