મધ્યપ્રદેશના છિંદવાડામાં એક મહંતના ખાતામાં છેતરપિંડીનો મામલો સામે આવ્યો છે. અહીં મહંત સ્વ.કનક બિહારી દાસના બેંક ખાતામાંથી ૯૦ લાખ રૂપિયા ઉપડી ગયા હતા. આ મામલે પોલીસે રીના રઘુવંશી ઉર્ફે સાધ્વી લક્ષ્મી અને અન્ય સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મહંત કનક બિહારી દાસે અયોધ્યામાં રામ મંદિર માટે એક કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું.
સ્વ. કનક બિહારી દાસ મહારાજના અનુગામી શ્યામ બાબાએ ચૌરાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, એસબીઆઈ બેંકમાં કનક બિહારી દાસનું ખાતું હતું. તેમાં ૯૦ લાખ રૂપિયા જમા હતા. હાલમાં, ઉત્તરાધિકાર અંગેનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે.
ફરિયાદમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ભોપાલની રહેવાસી રીના રઘુવંશીએ તેના સહયોગીઓ સાથે છેતરપિંડી કરી હતી અને એકાઉન્ટમાં તેનો મોબાઈલ નંબર રજીસ્ટર કરીને નેટ બેંકિંગ દ્વારા ખાતામાંથી રકમ ઉપાડી લીધી હતી. શ્યામ બાબા પણ પોતાને મહંત કનક બિહારી દાસના ઉત્તરાધિકારી માની રહ્યા છે. સાધ્વી ના પક્ષમાંથી એક કોપી વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે મહંત કનક બિહારી દાસે તેને પોતાનો ઉત્તરાધિકારી બનાવ્યો છે.
હાલમાં પોલીસે રીના રઘુવંશી ઉર્ફે સાવી લક્ષ્મી અને અન્ય લોકો સામે કેસ નોંધીને કલમ ૪૨૦ અને અન્ય કલમો હેઠળ તપાસ શરૂ કરી છે. સ્વ. મહંત કનક બિહારી દાસનું ૧૭ એપ્રિલ ૨૦૨૩ના રોજ માર્ગ અકસ્માતમાં અવસાન થયું હતું. તેમણે અયોયા મંદિર માટે ૧ કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું.
આ મામલે ચૌરાઈ એસડીઓપીનું કહેવું છે કે ફરિયાદ મળી હતી. જેમાં જણાવાયું હતું કે સ્વ. કનક બિહારી દાસના ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવ્યા છે. ફરિયાદના આધારે છેતરપિંડીની એફઆઈઆર નોંધવામાં આવી હતી. તેમાં રીના રઘુવંશીનું નામ નોંધાયેલું છે. સમગ્ર મામલાની તપાસ ચાલી રહી છે.