કોંગ્રેસના વરિષ્ઠ નેતા અભિષેક મનુ સિંઘવીએ રાહુલ ગાંધી અને ઈડીને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમના નિવેદનનો રાજકીય વર્તુળોમાં અર્થ કાઢવામાં આવ્યો છે. સિંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર કહ્યું છે કે રાહુલની ધરપકડ કરવાનો વિચાર પણ ન કરો.
સિંઘવીએ કહ્યું, ’જો ઈડી રાહુલ ગાંધીની ધરપકડ કરવાનું વિચારશે તો દેશ ભાજપની શબપેટીમાં છેલ્લો ખીલો લગાવશે! તેના વિશે ક્યારેય વિચારશો નહીં, ક્યારેય નહીં.’
હાલમાં જ રાહુલ ગાંધીએ એક પોસ્ટમાં દાવો કર્યો હતો કે સરકાર તેમની સામે ED ના દરોડા પાડવાની તૈયારી કરી રહી છે. જોકે, ભાજપે તેને વાયનાડની ઘટના પરથી યાન હટાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો. મામલો શુક્રવારનો છે, જ્યારે રાહુલના નિવેદને હલચલ મચાવી દીધી હતી.
રાહુલ ગાંધીએ બપોરે ૧.૫૨ વાગ્યે પોસ્ટમાં લખ્યું, ’સ્પષ્ટ રીતે ટુ ઈન વનને મારું ચક્રવ્યુહ ભાષણ ગમ્યું નહીં. ઈડીના સૂત્રોએ મને જણાવ્યું છે કે દરોડા પાડવાની તૈયારી કરવામાં આવી રહી છે. હું ખુલ્લા હાથે ED ની રાહ જોઈ રહ્યો છું. મારા તરફથી ચા અને બિસ્કિટ. જો કે, આ દરમિયાન રાહુલે એ નથી જણાવ્યું કે કયા કેસમાં ઈડી તેમનો દરવાજો ખટખટાવી શકે છે.
૨૯ જુલાઈના રોજ રાહુલે લોક્સભામાં કેન્દ્રીય બજેટ ૨૦૨૪ પર બોલતા પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે દેશના ખેડૂતો, મજૂરો અને યુવાનો ડરી ગયા છે. તેમણે કહ્યું હતું કે ૨૧મી સદીમાં એક નવું ’ચક્રવ્યુહ’ બન્યું છે. અમે આ ચક્ર તોડી નાખીશું. આને તોડવાનો સૌથી મોટો રસ્તો જાતિની વસ્તી ગણતરી છે, જેનાથી તમે લોકો ડરો છો. આ દરમિયાન રાહુલે અંબાણી અને અદાણી પર પણ નિશાન સાધ્યું હતું, જે બાદ સ્પીકરે તેમને અટકાવ્યા હતા.